મુંબઈ : વર્ષ ૨૦૧૮માં મૂડી માર્કેટમાંથી વિદેશી મૂડીરોકાણકારોએ ૮૩૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. અગાઉના વર્ષમાં રેકોર્ડ બે લાખ કરોડ રૂપિયા ઠાલવી દીધા બાદ આ નાણા પરત ખેંચવામાં આવ્યા છે. અમેરિકામાં વ્યાજદરમાં વધારો, વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો અને ડોલર સામે રૂપિયામાં ઘટાડાના લીધે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. વધુમાં વર્ષ ૨૦૧૯માં રેંજ આધારિત કારોબારના કારણે મૂડી પ્રવાહનો દોર જારી રહી શકે છે. સામાન્ય ચૂંટણી બાદ સ્થિર સરકારની રચનાને લઇને નિશ્ચિત માહોલ, આર્થિક રિકવરીના નક્કર સંકેત સુધી એફપીઆઈ સાવચેતી રાખે તેવી શક્યતા છે. ફોરેન પોર્ટ ફોલિયો ઇન્વેસ્ટર્સ દ્વારા વર્ષ ૨૦૧૮માં ભારતીય બજારમાંથી ૮૩૧૪૬ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા જેમાં ઇક્વિટીમાંથી ૩૩૫૫૩ કરોડ અને ડેબ્ટ બજારમાંથી ૪૯૫૯૩ કરોડનો સમાવેશ થાય છે.
૨૦૦૨ બાદથી વિદેશી મૂડી રોકાણની દ્રષ્ટિએ ભારતીય મૂડી માર્કેટ માટે આ સૌથી નિરાશાજનક વર્ષ રહ્યું છે. જુદા જુદા કારણો આના માટે જવાબદાર રહ્યા છે. અમેરિકામાં વ્યાજદરમાં વધારો પણ અડચણરુપ રહ્યો છે. ૨૦૧૮ પહેલા એફપીઆઈ દ્વારા સતત છ વર્ષમાં ઇક્વિટીમાં ખરીદી કરવામાં આવી હતી. આ વખતે નાણાં પરત ખેંચવામાં આવ્યા છે.
૨૦૧૧માં ભારતીય શેરબજારમાંથી એફપીઆઈએ નાણાં પરત ખેંચ્યા હતા. તે પહેલા ૨૦૦૮માં પણ વેચવાલીનો માહોલ રહ્યો હતો. ૨૦૧૮માં એફપીઆઈ શરૂઆતના ગાળામાં નાણાં ઠાલવ્યા હતા પરંતુ વૈશ્વિક બજારમાં નબળી સ્થિતિ અને ઇક્વિટી મૂડીરોકાણ ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સના પરિણામ સ્વરુપે નાણાં પરત ખેંચવાની શરૂઆત થઇ હતી. માર્ચ મહિનામાં ટુંકી રિકવરી થયા બાદ આ વર્ષના મોટાભાગના ગાળામાં વેચવાલી રહી હતી. વર્ષ ૨૦૧૯ ૨૦૦૮ બાદ પ્રથમ વર્ષ રહેશે જ્યારે કેન્દ્રીય બેંકો લિક્વિડીટીની રકમ પરત ખેંચી રહી છે.