મુંબઈ : વિદેશી મૂડીરોકાણકારોએ ઓક્ટોબર મહિનામાં જંગી નાણાં પરત ખેંચી લીધા બાદ નવેમ્બર મહિનામાં હજુ સુધી ભારતીય મૂડી માર્કેટમાં ૮૨૮૫ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. ક્રૂડની કિંમતમાં સતત ઘટાડો, રૂપિયામાં રિકવરી અને લિક્વિડીટીની સ્થિતિમાં ઉલ્લેખનીય સુધારો થયા બાદ એફપીઆઈ દ્વારા નવેમ્બર મહિનામાં જંગી રોકાણ કરવામાં આવ્યું છે. તેલ કિંમતો નરમ થતાં તેની અસર એફપીઆઈ કારોબારીઓ ઉપર જાવા મળી છે. ઓક્ટોબર મહિનામાં ૩૮૯૦૦ કરોડ રૂપિયાથી વધુની રકમ પાછી ખેંચી લીધા બાદ જંગી નાણાં ઠાલવવામાં આવ્યા છે. ઓક્ટોબર મહિનામાં જે નાણાં આવેલા સૌથી જંગી નાણા હતા.
વિદેશી મૂડીરોકાણકારોએ સપ્ટેમ્બર મહિનામાં ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટ બંનેમાં મળીને ૨૧૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. તે પહેલા તેઓએ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ૭૫૦૦ કરોડ રૂપિયા પરત ખેંચી લીધા હતા. આ વર્ષે હજુ સુધી એફપીઆઈ દ્વારા મૂડી માર્કેટમાંથી ૯૨૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે જેમાં ઇક્વિટીમાંથી ૩૮૦૦૦ કરોડ રૂપિયા અને ડેબ્ટ માર્કેટમાંથી ૫૪૦૦૦ કરોડ રૂપિયા પરત ખેંચી લેવામાં આવ્યા છે. બીજી બાજુ વૈશ્વિક મોરચે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોર ટેન્શન વધતા ઉભરતા માર્કેટ ઉપર તેની માઠી અસર થઇ છે અને અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું છે. વૈશ્વિક સ્તર પર વ્યાજદરોમાં વધારો થઇ રહ્યો છે. સુરક્ષિત વિકલ્પો ઉપર ચર્ચા ચાલી રહી છે.
અન્ય આકર્ષક વિકલ્પો ઉપર પણ ચર્ચા થઇ રહી છે. આ વર્ષમાં બાકીના હિસ્સામાં એફપીઆઈ તરફથી મૂડી પ્રવાહ ઉલ્લેખનીયરીતે રહ્યો છે. ડોલર સામે રૂપિયાની ચાલ, ક્રૂડની કિંમતો, સ્થાનિક લિક્વિટી, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી અને આગામી વર્ષે યોજાનાર સામાન્ય ચૂંટણી જેવા પરિબળોની અસર એફપીઆઈ ઉપર જાવા મળી શકે છે. ઉપરાંત ચીન અને બ્રાઝિલ જેવા ઉભરતા માર્કેટ ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે. ભારતની સરખામણીમાં વેલ્યુએશનની દ્રષ્ટિએ તેમના ઉપર નજર રાખવામાં આવી રહી છે. આ તમામ પરિબળોને ધ્યાનમાં લેતા એવી અપેક્ષા છે કે, એફપીઆઈ તરફથી ભારતમાં જંગી રોકાણ કરવામાં આવનાર છે. જાણકાર નિષ્ણાતોના કહેવા મુજબ ડેબ્ટ માર્કેટમાંથી આ વર્ષે જંગી નાણા પરત ખેંચી લેવામાં આવ્યા છે પરંતુ તેલ કિંમતો ઘટતા નવેમ્બર મહિનામાં હજુ સુધી વધુ રોકાણ કરાયું છે.