પુંછ સેક્ટરમાં માર્યા ગયેલા ચાર આતંકવાદીઓની ઓળખ, પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન સાથેની નિયંત્રણ રેખા પાસે રાજૌરી-પુંછ સેક્ટરના સિંધરા ગામમાં મંગળવારે  સવારે ભારતીય સુરક્ષા દળો દ્વારા માર્યા ગયેલા ચાર આતંકવાદીઓની ઓળખ સામે આવી છે. આ પહેલા ૧૬ અને ૧૭ જુલાઈ વચ્ચે આ આતંકીઓ સાથે સુરક્ષા દળોની ભીષણ અથડામણ થઈ હતી. એચટી રિપોર્ટ અનુસાર, ભારતીય સેનાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા પુંછ જિલ્લાના સુરનકોટ તહસીલમાં માર્યા ગયેલા ચાર આતંકવાદીઓ પાસેથી મળી આવેલા ઓળખ પત્રો પરથી જાણવા મળ્યું છે કે તેઓ પાકિસ્તાની નાગરિકો અને આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયબાના જેહાદી હતા. માર્યા ગયેલા જેહાદીઓ ભારે હથિયારોથી સજ્જ હતા, તેમની પાસેથી મળી આવેલા દસ્તાવેજો અનુસાર, ચારમાંથી ત્રણની ઓળખ મેહમૂદ અહેમદ, અબ્દુલ હમીદ, મોહમ્મદ શરીફ તરીકે કરવામાં આવી છે, જ્યારે ચોથાનું નામ અજ્ઞાત છે અને તે પીઓકેના ખુર્શીદાબાદનો રહેવાસી છે. અહેવાલ મુજબ, ચારેય સાજિદ જટ્ટની આગેવાની હેઠળના ૧૨ લશ્કરના આતંકવાદીઓના જૂથ સાથે સંકળાયેલા હતા, જે પીઓકેમાં કોટલી અને ઓરપેટ ખાતે આંતરરાષ્ટ્રીય સરહદ પાર સિયાલકોટ વચ્ચે કાર્યરત છે. ચારેયની ઉંમર ૨૩થી ૨૫ વર્ષની વચ્ચે હતી. તેઓ હાર્ડકોર જેહાદી હતા અને પાકિસ્તાનના પશ્ચિમી મોરચે લશ્કરના ભાગરૂપે અફઘાનિસ્તાનમાં ડ્યુરન્ડ લાઇનની પાર કાર્યરત હતા.

ઇન્ટેલિજન્સ ઇનપુટ્‌સ અનુસાર, આતંકવાદીઓનું ૧૨ સભ્યોનું જૂથ છેલ્લા ૧૮ મહિનાથી રાજૌરી પુંછ સેક્ટરમાં કાર્યરત હતું અને પીર પંજાલના દક્ષિણી વિસ્તારો તેમજ દક્ષિણ કાશ્મીરના વિસ્તારોમાંથી ઘૂસણખોરી કરી રહેલા જેહાદીઓને સેફ કવર પૂરું પાડી રહ્યું હતું. ભારતીય જવાનોએ આ આતંકીઓને ઠાર કરીને ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. જમ્મુ ઝોનના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ મુકેશ સિંહે માહિતી આપી હતી કે જો આતંકવાદીઓને સમયસર મારવામાં ન આવ્યા હોત તો તેઓ આવનારા દિવસોમાં મોટી આતંકી ઘટનાઓને અંજામ આપી શક્યા હોત.

Share This Article