જમ્મુ કાશ્મીરમાં વધુ ચાર આતંકવાદીને ઠાર મરાયા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

શ્રીનગર:  જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લામાં રાફિયાબાદના વન્ય વિસ્તારમાં સેનાએ આજે મોટુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન સેનાને મોટી સફળતા હાથ લાગી હતી અને ચાર ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. ત્રાસવાદીઓ પર હાલમાં શનિકાળ ચાલી રહ્યો છે. સેનાએ ઓપરેશન ઓલઆઉટના ભાગરુપે એક પછી એક ઓપરેશન પાર પાડીને ખૂંખાર ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વતંત્રતા દિવસ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદીઓની ઘુસણખોરીના એક મોટા પ્રયાસને ગઇકાલે નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો હતો. જો કે આમાં ભારતીય સેનાને પણ ભારે નુકસાન થયુ હતું. સેનાએ મેજર સહિત ચાર જવાન ગુમાવી દીધા હતા. ચાર જવાન શહીદ થતા દેશમાં આક્રોશનુ મોજુ ફરી વળ્યુ હતું. બે ત્રાસવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા હતા. પાકિસ્તાનથી આ ત્રાસવાદીઓ ઘુસણખોરી કરી રહ્યા હતા.

ઉત્તરીય કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેજ સેક્ટરમાં આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં સેનાના મેજર સહિત ચાર જવાન શહીદ થયા હતા. મોટી ઘુસણખોરી થઇ હોવાના હેવાલ બાદ હાઇ એલર્ટની જાહેરાત કરી દેવામાં આવી છે. શહીદ થયેલા ભારતીય જવાનોની ઓળખ કરી લેવામાં આવી છે જેમાં મેજર કેપી રાણે, હવાલદાર જેમીસિંહ, વિક્રમજીત અને રાયફલમેન મનદીપનો સમાવેશ થાય છે. બાંદીપોરા જિલ્લાના ગુરેજ સેક્ટરમાં ગોવિંદનાલા ખાતે આર્મીની પેટ્રોલ ટુકડી અને ત્રાસવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી. આઠથી વધુ ત્રાસવાદીઓની ટુકડીએ ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જો કે, સામ સામે અથડામણ થયા બાદ ચાર ત્રાસવાદીઓ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં પાછા ભાગી ગયા હતા. બે ત્રાસવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા.

Share This Article