વર્ષ ૨૦૦૮માં જયપુરમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટના કેસમાં કોર્ટે ચાર આરોપીઓને આજે દોષિત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય એક આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવતા સનસનાટી મચી ગઇ હતી. ૧૩મી મે ૨૦૦૮ના દિવસે રાજસ્થાનના પાટનગર જયપુરમાં જુદી જુદી જગ્યાએ આઠ બ્લાસ્ટ થયા હતા. જેમાં ૮૦ લોકોના મોત થઇ ગયા હતા અને અન્ય ૧૭૬ લોકો ઘાયલ થયા હતા. જયપુર બ્લાસ્ટના અન્ય બે આરોપી નવી દિલ્હીમાં બાટલા હાઉસ ખાતે વર્ષ ૨૦૦૮માં થયેલા એન્કાઉન્ટરમાં પોલીસના હાથે ઠાર થયા હતા. અજય કુમાર શર્મીની કોર્ટે આરોપીઓ મોહમ્મદ સૈફ, મોહમ્મદ સરવર આઝમ, સૈફુર્રહમાન અને મોહમ્મદ સલમાનને દોષિત ઠેરવ્યા હતા. જ્યારે શાહબાજ હુસૈનને નિર્દોષ જાહેર કરવાનો ચુકાદો આપ્યો હતો. તમામ લોકો સારી રીતે જાણે છે કે ગયા વર્ષે આ કેસમાં તપાસને તીવ્ર બનાવી દેવામાં આવી હતી.
સાથે સાથે ૧૨૯૬ સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા. આપરાધીઓના વકીલ અને બચાવ પક્ષ તરફથી જોરદાર દલીલો કરવામાં આવી હતી. મામલામાં જયપુર પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે ત્રણ આરોપી દિલ્હીના તિહાર જેલમાં બંધ છે.
તેમની સામે એટીએસ તપાસ કરી શકી ન હતી. આ ત્રણેય દેશના જુદા જુદા ભાગોમાં થયેલા બ્લાસ્ટમાં આરોપી તરીકે રહેલા છે. જયપુરમાં બ્લાસ્ટના કારણે દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. જયપુર બ્લાસ્ટમાં ત્રાસવાદી સંગઠનની સંડોવણી ખુલી હતી.
પોલીસે તપાસ કર્યા બાદ આખરે પાંચ આરોપીને પકડી લીધા હતા. ત્યારબાદ તેમની પુછપરછનો સિલસિલો શરૂ થયો હતો. બ્લાસ્ટમાં સામેલ રહેલા આરોપી અન્ય બ્લાસ્ટમાં પણ સામેલ હતા. સાથે સાથે બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં પણ તેમની સીધી રીતે સંડોવણી રહેલી હતી.