નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીનું 93 વર્ષની ઉંમરે નિધન થયું છે. એમ્સ દ્વારા થોડા સમય પહેલા જ રજૂ કરાયેલી પ્રેસ રિલિઝમાં જણાવવામાં આવ્યું હતું કે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીનું દુઃખદ નિધન થયું છે. સાંજે 5:05 કલાકે એમ્સ ખાતે અંતિમ શ્વાસ લીધા. 11 જુન, 2018ના રોજ તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓને 9 અઠવાડિયા સુધી એમ્સમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા, તેમના સ્વાસ્થ્યને લઇને અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ તેમનું દુઃખદ અવસાન થયું છે. છેલ્લા 36 કલાકમાં તેમની તબિયત ખરાબ થઇ હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી અટલજીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. ટ્વિટમાં તેમણે જણાવ્યું કે હું નિઃશબ્દ છું, શૂન્ય છું, પરંતુ લાગણીઓની ભરતી ઉમટી રહી છે. આપણા સૌના શ્રદ્ધેય અટલજી હવે આપણી વચ્ચે રહ્યાં નથી. પોતાના જીવનની દરેક ક્ષણને તેમણે રાષ્ટ્રને સમર્પિત કરી દીધી હતી. તેમનું નિધન એક યુગનો અંત છે.
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે મોડી રાત્રે વડાપ્રધાન મોદી અટલ બિહારી વાજપેયીને મળવા માટે એમ્સ પહોંચ્યા હતા. મોદી રાત્રે નવ વાગ્યાની આસપાસ પહોંચ્યા હતા. મોદી આશરે ૧૦ મિનિટ સુધી હોસ્પિટલમાં રહ્યા હતા. વાજપેયીની સારવાર કરી રહેલા તબીબોને મોદી મળ્યા હતા.