નવી દિલ્હીઃ અટલ આત્મા પરમાત્મામાં વિલિન થઇ જતાં દેશભરમાં તેમના કરોડો સમર્થકો દુખમાં ગરકાવ દેખાયા હતા. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની પુત્રી નમિતાએ અગ્નિદાહ આપ્યો હતો. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં સ્મૃતિ સ્થળ પર વાજપેયીના સંપૂર્ણ સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આની સાથે જ તેઓ પંચ મહાભૂતોમાં વિલિન થયા હતા.
અંતિમ સંસ્કાર સ્થળ ઉપર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સહિત તમામ રાજકીય પક્ષોના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. અટલ બિહારી વાજપેયીના શરીરથી તિરંગાને લપેટીને અંતિમ સંસ્કાર સ્થલે લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તિરંગાને દૂર કરીને આ તિરંગો નિહારીકાને સોંપવામાં આવતા તમામ લોકો ભાવનાશીલ બન્યા હતા.
ભુટાન નરેશ જિગ્મે ખેસર પણ વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. વાજપેયીના અવસાન ઉપર વિશ્વના દેશોએ પણ શોક વ્યક્ત કર્યો છે. સ્મૃતિ સ્થળ પર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રમુખ બિપીન રાવત, નૌકા સેનાના પ્રમુખ એડમિરલ સુનિલ લાંબા, એરચીફ માર્શલ વિરેન્દ્રસિંહ ધનુઆ પણ ઉપસ્થિત રહ્યા હતા. જુદા જુદા રાજ્યોના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ, અશોક ગેહલોત, આનંદ શર્માનો સમાવેશ થાય છે. અગાઉ અટલ બિહારી વાજપેયીની અંતિમ યાત્રામાં લોકો ઉમટી પડ્યા હતા.
ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના અગાઉ ભાજપ હેડ ક્વાર્ટસ ખાતે અંતિમ દર્શન કરવામાં આવ્યા હતા. તે પહેલા વાજપેયીના પાર્થિવ શરીરને ગઇકાલે ગુરુવારના દિવસે સાંજે અવસાન થયા બાદ તેમના આવાસ ઉપર લઇ જવામાં આવ્યા હતા. રાત્રે આવાસ ઉપર પાર્થિવ શરીરને રાખવામાં આવ્યા બાદ આવાસ ઉપર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના સર્વોચ્ચ નેતા સોનિયા ગાંધી, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ, બિહારના મુખ્યમંત્રી નિતીશકુમાર, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, કેન્દ્રીયમંત્રી રાજનાથસિંહ સહિત તમામ લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી. રાત્રી ગાળામાં તેમના પાર્થિવ શરીરને આવાસ પર રખાયા બાદ આજે સવારે પાર્ટી હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં પણ તેમના સમર્થકો ઉમટી પડ્યા હતા. ભાજપ હેડક્વાર્ટરથી બપોરના ગાળામાં તેમની અંતિમ યાત્રા શરૂ થઇ હતી. વાજપેયીના પાર્થિક શરીરને તેમના આવાસ પર રાખવામાં આવ્યા બાદ હવે ભાજપ હેડ ક્વાર્ટર ખાતે લઇ જવામાં આવ્યો હતો.