અમદાવાદ : અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ગઇ મધરાત્રે સયાજીનગરી એક્સપ્રેસમાં હત્યા કરવામાં આવી હતી. તેઓ ભુજથી અમદાવાદ આવતા હતા તે દરમ્યાન માળિયા પાસે અજાણ્યા શખ્સોએ ફર્સ્ટ ક્લાસ એસી(એચ ૧) કોચમાં ઘુસીને તેમના પર પોઇન્ટ બ્લેન્ક રેન્જથી તેમની પર ફાયરિંગ કરતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ભાનુશાળીને છાતી અને આંખમાં શૂટરોએ ગોળી મારી હતી. ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં જ હત્યાના બનાવને પગલે ભાજપ સહિત રાજયભરમાં ખળભળાટ મચી ગયો છે.
માળિયા ખાતે પંચનામું કરીને મૃતદેહને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લવાયો હતો. એફએસએલની ટીમના ડોક્ટર પોસ્ટમોર્ટમ કરશે અને તેની વીડિયોગ્રાફી કરાશે. હત્યાની તપાસ કરવા માટે રેલવે દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ(સીટ)ની રચના કરી છે. તો હત્યાના બનાવમાં પવન મોરી નામના વ્યક્તિની અટકાયત કરી હતી. તેને પણ અમદાવાદ લાવી પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે. પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી પર ફાયરીંગ કરી હત્યાના બનાવની આ સમગ્ર ઘટના કટારિયા-સૂરજબારી સ્ટેશન વચ્ચે બની હતી. જેમાં જયંતીભાઈને એક ગોળી છાતીના ભાગે અને બીજ ગોળી આંખના ભાગે વાગી હતી. તેઓ સયાજીનગરી ટ્રેન નંબર-૧૯૧૧૬માં સવાર હતા. બનાવ રાત્રે ૨ વાગ્યાની આસપાસ બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદ રેલવેના ડીવાયએસપી પીપી પીરોજીયા તપાસ કરી રહ્યા છે.
રાજકોટના ડીવાયએસપી, રેલવે એલસીબીના એક પીઆઈ અને બે પીએસઆઈ અને કોન્સ્ટેબલ તપાસ કરશે. હાલમાં મોરબી જિલ્લા પોલીસ, રેલવે એલસીબી, જિલ્લા એલસીબી, ગાંધીધામ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. આ હત્યામાં પોલીસ દ્વારા રેલવેમાં અત્યાર સુધી થયેલા વિવિધ મર્ડરની થીયરી પર તપાસ કરાશે.