જૂનાગઢમાં ચોંકાવનારી ઘટના, સિંહણને બેભાન કરવાનું ઇન્જેક્શન ભૂલથી વનકર્મીને લાગી ગયું, સારવાર દરમિયાન મોત

Rudra
By Rudra 2 Min Read

જૂનાગઢ: વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામમાં એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. માસૂમ બાળકને ફાડી ખાનાર સિંહણને પકડવા રવિવારે એક વનવિભાગની ટીમ ગઈ હતી. આ દરમિયાન સિંહણને બેભાન કરવાની ટ્રાંક્વીલાઈઝર ગનમાં ભરેલું ઇન્જેક્શન ભૂલથી વન વિભાગની ટીમ પૈકીના એક કર્મચારી અશરફ ચૌહાણને વાગી જતાં તેઓ બેભાન થઈ ગયા હતા. જોકે, આ ઘટનામાં સારવાર દરમિયાન અશરફ ચૌહાણ નામના ટ્રેકરનું મોત નીપજ્યું છે. આ સમાચાર બાદ પરિવારના માથે દુઃખનો પહાડ ઉમટી પડ્યો છે.

ટ્રાંક્વીલાઈઝર ગન એટલે શું?

સામાન્ય શબ્દોમાં ટ્રાંક્વીલાઈઝર ગન અથવા ડાર્ટ ગન એ એક વિશિષ્ટ ગન છે. જેનાથી દૂરથી પ્રાણીઓને બેભાન કરવા અથવા દવા આપવા માટે દવા-ભરેલા ડાર્ટ્સ (હાયપોડર્મિક સોય) મારવામાં આવે છે. જેનો ઉપયોગ વાઇડલાઈફ મેન્જમેન્ટ, વનના પ્રાણીઓને સંભાળ અને પ્રાણી નિયંત્રણ માટે, મોટા અથવા ખતરનાક પ્રાણીઓને સુરક્ષિત રીતે પકડવા માટે કરવામાં આવે છે.

મળતી માહિતી અનુસાર સિંહણના શિકાર બાદ વન વિભાગની ટીમે તેનું રેસ્ક્યૂ કરવા માટે તમામ તૈયારીઓ કરી લીધી હતી. ત્યારબાદ વન વિભાગની ટીમે હુમલાખોર સિંહણને તુવેરના ખેતરમાં ટ્રેસ કરી હતી. સિંહણને પકડી પાડવા માટે બેભાન કરવાની ટ્રાંક્વીલાઈઝર ગનનો ઉપયોગ કર્યો હતો. પરંતુ આ ગનનું ઇન્જેક્શન સિંહણને નહીં પણ ભૂલથી વન કર્મચારીને વાગી ગયું હતું. જેથી તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી વનકર્મીને તાત્કાલિક જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટના બાદ પરિવારમાં શોક અને આઘાતની લાગણી પ્રસરી ગઈ છે. પરિવાર કાંઈ પણ બોલવા માટે તૈયાર નથી.

Share This Article