ભાવનગર: વન વિભાગના ACF તરીકે ભાવનગરમાં ફરજ બજાવતા પતિએ ક્રૂરતાની હદ વટાવી દીધી છે. ACF શૈલેષ ખાંભલાની પ્રમોશન સાથે નવ માસ પહેલાં જ ભાવનગરમાં બદલી થઈ હતી. શૈલેષે ઘરકંકાસમાં ટ્રિપલ મર્ડર કર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. શૈલેષે પોતાની પત્ની, દીકરા અને દીકરીની હત્યા કર્યા બાદ ત્રણેયના મૃતદેહને જમીનમાં દાટી દીધા હતા. ત્રણેયના મૃતદેહ પર ગાદલા ઢાંકી મોરમ નંખાવી હોવાનું પોલીસ તપાસમાં કબૂલ કર્યું છે.
ભાવનગર એસ.પી.એ માહિતી આપતા જણાવ્યું છે કે, પાંચ નવેમ્બરની સવારે શૈલેષ ખાંભલાએ તકિયાથી પહેલા પત્નીનું મોઢું દબાવી હત્યા કરી નાંખી હતી. જે બાદ દીકરા અને દીકરીના મોં પર તકિયો દબાવીને મારી નાંખ્યા હતા. ઘરના પાસેના એક ખાડામાં ત્રણેય મૃતદેહને પથ્થર સાથે દાટી દીધા હતા. આ ખાડામાં પાણી ભરાયુ હોવાને કારણે લાશ તરતી ઉપર ન આવે એટલા માટે લાશની સાથે પથ્થર પણ બાંધ્યા હતા. કોઈને દેખાય નહીં તે માટે ઉપર ગાદલું પણ મૂકીને ઉપર માટી નાંખી દીધી હતી.
ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, શૈલેષ ખાંભલાનો પરિવાર દિવાળીના વેકેશનમાં ભાવનગર આવ્યા હતા. જે બાદ શૈલેષ ખાંભલા નોકરી પર ગયો હતો. પાછો આવ્યો ત્યારે તેને પત્ની, પુત્રી અને પુત્ર ઘરે ન હતા. જેથી તેણે ભરત નગર પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલાની જાણવાજોગ અરજી કરી હતી. શૈલેષ ખાંભલાએ ભરતનગર પોલીસ સ્ટેશન જઈને જણાવ્યું કે તેની પત્ની અને બાળકો એક રિક્ષામાં ગયા હોવાનું સિક્યુરિટીએ જણાવ્યું હતું. ત્યાર બાદ પોલીસે સિક્યુરિટીની પૂછપરછ કરતા બાળકો કે પત્નીને જોયા ન હોવાનું કહ્યું હતું.
દરમિયાન ગુમ નયનાબેનના મોબાઈલના મેસેજની તપાસ પછી પતિ શૈલેષ ખાંભલા શંકાના દાયરામાં આવ્યો હતો. પોલીસે શૈલેષ ખાંભલાના મોબાઈલને ટ્રેસ કરી તેમાં ગુમ થયેલી તારીખથી લઈ આજ સુધીની કૉલ ડિટેઇલમાં ગિરીશ વાણિયા સાથે વધુ વાર વાત થયાનું જણાઈ આવ્યું હતું. આથી પોલીસે તેની પૂછપરછ કરી તો ગિરીશ વાણિયાએ જણાવ્યું કે, તેઓ ફોરેસ્ટમાં જ આરએફઓ તરીકે ફરજ બજાવે છે અને બીજી નવેમ્બરના રોજ શૈલેષ ખાંભલા દ્વારા પોતાના ઘર પાસે પાણી તેમજ કચરો ભરવા માટે ખાડાઓ કરી આપવા જણાવ્યું હતું. ત્યારબાદ જેસીબીથી ખાડાઓ તૈયાર કરી આપ્યા અને છ નવેમ્બરના રોજ ફરી પાછો આ ખાડાને પૂરવા માટે વધુ માટી જોઈશે એ માટે એક ટ્રક માટી મંગાવી હતી.
તેમણે પોલીસને જણાવ્યા પ્રમાણે, તેઓ વધુ માટી લઈને ત્યાં પહોંચતા ખાડાની બાજુમાં ઘણી માટી પડી હતી. આ અંગે શૈલેષે જણાવ્યું હતું કે, ખાડામાં એક નીલગાય પડી ગઈ હતી. તેને ખાડામાંથી બહાર કાઢવા ગાદલું નાખ્યું હતું. જે બાદ જેસીબીથી ખાડાને પુરાઈ દીધો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પત્ની અને બાળકો સુરત રહેતા હતા. પત્નીએ બાળકો સાથે ભાવનગર આવીને રહેવાનું જણાવ્યું હતું. ફોરેસ્ટ અધિકારીએ પત્ની અને બાળકોને પરિવાર સાથે સુરત રહેવાનું જણાવ્યું હતું. આ બાબતે તેમની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. જોકે, આ અંગેની તપાસમાં જ સાચું કારણ બહાર આવી શકે છે.
