પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ભારતીય હવાઇ દળે જોરદાર હુમલા કરવામાં આવ્યા બાદ પાકિસ્તાનની ઉંઘ હરામ થઇ ગઇ છે. પાકિસ્તાનને તેની તાકાત કેટલી છે તે બાબત તેને સમજાઇ ગઇ હોવાના સંકેત પણ મળી રહ્યા છે. છેલ્લા સમાચાર મુજબ પાકિસ્તાન સેનાના પ્રવકતાએ એવા સંકેત આપ્યા છે કે પાકિસ્તાન ભારત સાથે યુદ્ધ ઇચ્છતુ નથી. તે વાતચીત કરવા માંગે છે. જા કે હવે ભારત પાસે પાકિસ્તાન સમક્ષ વાતચીત માટે એવી શરત મુકવાનો સમય છે કે પાકિસ્તાનમાં તમામ ત્રાસવાદી કેમ્પોને બંધ કરવા પડશે. કટ્ટરપંથીઓને પકડી પાડવા પડશે. સાથે સાથે એક એવી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવે જે નિયમિત ગાળામાં ત્રાસવાદી કેમ્પ ચાલી રહ્યા છે કે કેમ તેની ખાતરી કરે.
ભારતના હુમલાના કારણે હચમચી ઉઠેલા પાકિસ્તાન સામે ભારતે હવે કઠોર રીતે શરત મુકી દેવાની જરૂર છે. સાથે સાથે આંતરરાષ્ટ્રીય મંચ પર પણ આ બાબતને જાહેરમાં રજૂ કરવાની જરૂર છે. ભારતીય યુદ્ધ વિમાનોએ ગઇકાલે વહેલી પરોઢે બાલાકોટ, ચકોટી અને મુઝ્ફફરાબાદમાં જેશના અડ્ડાઓ પર હુમલો કર્યો હતો. ૧૨ મિરાજ ૨૦૦૦ વિમાનો મારફતે ગઇકાલે વહેલી પરોઢે ૩.૪૫ વાગે હુમલા કર્યા હતા. હવાઇ હુમલા ૨૧ મિનિટ સુધી કરવામાં આવ્યા હતા.
જેશે પુલવામા ખાતે સીઆરપીએફના કેમ્પ પર કરવામાં આવેલા હુમલાની જવાબદારી લીધી હતી. તે પહેલા પઠાણકોટ, ઉરી અને અન્ય કેટલાક હુમલામાં પણ તેની સીધી સંડોવણી હતી. ૧૩મી ડિસેમ્બર ૨૦૦૧ના દિવસે સંસદ પર ત્રાસવાદી હુમલા પણ તેના દ્વારા જ કરવામાં આવ્યા હતા. જેથી આ વખતે ભારતીય કાર્યવાહીનો શિકાર પણ જેશના અડ્ડાઓ જ બન્યા હતા. પાકિસ્તાન શુ કહે છે તે બાબત અમારા માટે મહત્વ રાખતી નથી. વૈશ્વિક દબાણ વચ્ચે પાકિસ્તાને હવે વાતચીત માટેની વાત કરી છે. આવી સ્થિતીમાં તેની સામે કઠોર શરતો મુકીને ભારત આગળ વધે તે પ્રકારની સ્થિતી હવે સર્જાઇ રહી છે.