ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે સાઉદી અરબે ઇઝરાયેલ જતા એર ઇન્ડિયાના વિમાનને પોતાના આકાશમાંથી પસાર થવા મંજૂરી આપી છે. એર ઇન્ડિયાનું વિમાન પહેલીવાર સાઉદી અરબના આકાશમાંથી થઇને ગુરુવારે ઇઝરાયેલના બેન ગુરિયન એરપોર્ટ પહોંચ્યું.
હાલમાં જ સાઉદી અરબે સંકેત આપ્યા હતા કે તે ભારતથી ઇઝરાયેલ જતી અને ઈઝરાયેલથી ભારત આવતી ફ્લાઇટ્સ માટે પોતાના આકાશને ખુલ્લુ મૂકશે. હકીકતમાં તો ઈરાન સાથેના સાઉદી અરબના તણાવયુક્ત સંબંધોને જ ઈઝરાયેલ તરફ તેના નરમ વલણનું કારણ ગણવામાં આવે છે. ઇઝરાયેલના પ્રવાસનપ્રધાન યારિવ લેવિને કહ્યું કે, ‘ખરેખર આ એક ઐતિહાસિક દિવસ છે. બે વર્ષની મહેનત બાદ આ કામ થઈ શક્યું છે. ’સાઉદી અરબ દ્વારા પોતાનું આકાશ ખોલી નાખવામાં આવતા ભારત અને ઈઝરાયેલ વચ્ચેનો પ્રવાસ સમય ટુંકો થઈ જશે. આ કારણે કુલ પ્રવાસમાં 2 કલાક જેટલો સમય બચશે અને આ સાથે જ વિમાન કંપનીઓનું ફ્યુઅલ બચતા ટિકિટની કિંમત પણ ઘટી શકે છે.
જોકે સાઉદી અરબ દ્વારા આપવામાં આવેલ આ છૂટ ફક્ત ભારતીય એરલાઇન્સ માટે જ છે. ઈઝરાયેલી એરલાઇન્સને આ છૂટ નથી આપવામાં આવી. કેમકે ઇસ્લામિક દેશ હોવાથી સાઉદી અરબ ઈઝરાયેલને દેશ તરીકે સ્વીકરાતું નથી.