દેશના ઇતિહાસમાં પહેલીવાર એકસાથે ૩૮ને ફાંસીની સજા આપવામાં આવી છે. આ પહેલાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં ૨૬ને ફાંસીની સજા આપવામાં આવી હતી. હાલમાં આરોપીઓ અમદાવાદ, મધ્યપ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રની જેલમાં બંધ છે. ઉલ્લેખનીય છે કે ૮ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ ચુકાદા માટે સુનાવણી શરૂ થઈ હતી અને ૧૮ ફેબ્રુઆરીએ સજા જાહેર કરવામાં આવી છે.અમદાવાદમાં ૨૬ જુલાઈ ૨૦૦૮ને શનિવારની સાંજે થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો ૧૪ વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે. ગુજરાત જ નહીં સમગ્ર માનવજાતના દુશ્મન એવા આ કેસના ૪૯ દોષિતમાંથી સ્પેશિયલ કોર્ટે ૩૮ને ફાંસી અને ૧૧ને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કેદની સજા સંભળાવી છે.
આ દોષિતોને ૩૦૨ કલમ, રાજદ્રોહ અને UAPA (અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ) હેઠળ સજા ફટકારવા આવી છે. કોર્ટે એક સિવાય તમામ દોષિતોને ૨.૮૫ લાખનો દંડ ફટકાર્યો અને આરોપી નંબર ૦૭ને ૨.૮૮ લાખનો દંડ કર્યો છે. આ દંડની રકમમાંથી મૃતકોને ૧ લાખ રૂપિયાનું વળતર, વધુ ઇજાગ્રસ્તને ૫૦ હજાર વળતર અને સામાન્ય ઈજાગ્રસ્તને ૨૫ હજારનું વળતર ચૂકવવા આદેશ કરાયો છે. આરોપીઓના વકીલ ખાલિદ શેખે જણાવ્યું હતું કે કોર્ટે આજે જે ચુકાદો આપ્યો છે. આ ચુકાદાનો અભ્યાસ કરીને જો અમારા અસીલ અમને કહેશે તો હાઈકોર્ટમાં અપીલ કરીશું. અમને એવી આશા હતી કે ઓછા લોકોને સજા થશે. આરોપીઓના બીજા વકીલ એમ. એમ. શેખે જણાવ્યું હતું કે આ કેસમાં લાંબા સમય સુધી ટ્રાયલ ચાલી છે. અમે તમામ પ્રયત્નો કર્યા હતા. હવે ચુકાદાનો અભ્યાસ કરીને આગળ જે કાર્યવાહી કરવાની થતી હશે એ કરીશું. સિમી જ ઇન્ડિયન મુજાહિદ્દીન છે એવું કેસની તપાસ દરમિયાન સ્પષ્ટ થયું છે.
સિમી પર પ્રતિબંધ મૂકવામાં આવતાં ઇન્ડિયન મુજાહિદ્દીનથી નવું નામ ધારણ કર્યું હતું. હત્યા, ષડયંત્ર, આતંકી કૃત્ય અને દેશ વિરુદ્ધનું યુદ્ધ પુરવાર થયું છે. દોશિતોને મહત્તમ સજા થવી જોઈએ. આરોપીઓ પર કોઈ રહેમ ના રાખવી જોઈએ. આતંકી કૃત્ય છે, જે સાબિત થયું છે. રેરેસ્ટ ઓફ રેર કેસ છે. વળતર માટે પણ કોર્ટ હુકમ કરે. નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા, ઇજાઓ પામ્યા છે, તેમનાં પરિવારજનોની સ્થિતિ કોર્ટ ધ્યાનમાં લે. દોષિતોને સુધારાનો અવકાશ આપો. કોર્ટે સજા કરતાં પહેલાં તેમની સામાજિક અને પારિવારિક સ્થિતિ ધ્યાનમાં લેવી જોઈએ. જેલ ડિસિપ્લિન એ મહત્તમ સજા માટેનું પાસું ના હોઈ શકે, પણ લઘુતમ સજા માટે કોર્ટે ધ્યાનમાં લેવી જોઈએ. અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બબ્લાસ્ટ કેસમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં ૭૭માંથી ૫૧ આરોપી બંધ છે. તમામ આરોપીઓને વીડિયો-કોન્ફરન્સથી હાજર રાખવામાં આવ્યા હતા. જેલમાં જ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે વીડિયો-કોન્ફરન્સથી સુનાવણી ચાલી હતી. કુલ દોષિતોમાંથી ૩૨ હાલ સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે. સજાની સુનાવણી અગાઉ તેમના વકીલ તરફથી કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે દોષિતોને સુધારાનો અવકાશ છે. એ માટે ઋષિ વાલ્મીકિનું પણ ઉદાહરણ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો, એટલે કે દોષિતોને સુધરવાની એક તક આપવી જોઇએ, કેમ કે તેઓ શૈક્ષણિક લાયકાત ધરાવે છે, જેથી એ અંગેની વિગતો તેમની પારિવારિક સ્થિતિ, મેડિકલ પુરાવા રજૂ કરવા સમય આપવા ૩ સપ્તાહની માગ કરી હતી. દોષમુક્ત ઠરેલા ૨૮ પૈકીના ૨૨ આરોપી વિરુદ્ધ અન્ય રાજ્યોમાં કેસ ચાલતા હોવાથી તેઓ જેલની બહાર નીકળી નહીં શકે.
ઉલ્લેખનીય છે કે ત્રાસવાદી કૃત્ય બદલ દેશભરમાં પહેલીવાર એકસાથે ૪૯ આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યા છે. કોર્ટે આરોપીઓ વિરુદ્ધ જેહાદી ષડયંત્ર અને ત્રાસવાદી કૃત્ય માન્યું છે. ૧૩ વર્ષની લાંબી કાનૂની કાર્યવાહી પૂરી થતાં મંગળવારે ખાસ કોર્ટે ચુકાદો જાહેર કરવાનો નિર્દેશ કર્યો હતો. સૌપ્રથમવાર આટલા મોટા કેસની કાર્યવાહી વીડિયો-કોન્ફરન્સથી હાથ ધરવામાં આવી હતી.