આજે ૭૫મો સેના દિવસ છે. વર્ષ ૧૯૪૯માં આ સમારંભની શરુઆત થયા બાદ પહેલી વાર દિલ્હીથી બહાર તેનું આયોજન થઈ રહ્યું છે. દર વર્ષે ૧૫ જાન્યુઆરીએ મનાવાતો સેના દિવસમાં પરેડ એક અભિન્ન અંગ છે. આ વખતે આર્મી ડે પરેડ બેંગલુરુના એમઈજી એન્ડ સેન્ટર પરેડ ગ્રાઉન્ડમાં યોજાશે. આ અગાઉ દર વર્ષે દિલ્હી છાવણીના કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડમાં સેના દિવસની ઉજવણી થતી આવી છે. મોદી સરકારે રાષ્ટ્રીય મહત્વના આયોજનો દિલ્હીથી બહાર આયોજીત કરવાનો ર્નિણય કર્યો છે. જેથી તેની પહોંચ વધુમાં વધુ લોકો સુધી જાય અને લોકોની ભાગીદારી વધે. થલ સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે પરેડની સલામી લેશે અને વીરતા પુરસ્કાર પ્રદાન કરશે. ત્યાર બાદ આર્મી સર્વિસ કોર્પ્સની ટોરનેડો ટીમ મોટરસાયકલ પર પોતાના કરતબ દેખાડશે. પેરાટ્રૂપર્સ સ્કાઈડાઈવિંગનું પ્રદર્શન કરશે. આર્મી એવિએશન કોપ્ર્સ્ની ટીમ ડેયરડેવિલ જંપનું પ્રદર્શન કરશે. અંતમાં હેલીકોપ્ટરની ફ્લાઈ પાસ્ટ થશે.
રક્ષામંત્રાલયે કહ્યું કે, રાષ્ટ્ર માટે દક્ષિણ ભારતના લોકોની વીરતા, બલિદાન અને સેવાઓની ઓળખાણ માટે ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન બેંગલુરુમાં કરવામાં આવ્યું છે. સાથે જ તે ફીલ્ડ માર્શલ કેએમ કરિયપ્પાને શ્રદ્ધાંજલિ આપી છે, કારણ કે, તેઓ કર્ણાટક સાથે સંબંધ ધરાવે છે. પ્રધાનમંત્રી મોદીએ ૭૫માં સેના દિવસ પર ટિ્વટ કર્યું, સેના દિવસ પર, હું તમામ સૈન્ય કર્મી, પૂર્વ સૈનિકો અને તેમના પરિવારોને મારી શુભકામનાઓ આપું છું. દરેક ભારતીયને આપણી સેના પર ગર્વ છે અને અમે હંમેશા જવાનોના આભારી રહીશું. તેમણે હંમેશા આપણા દેશને સુરક્ષિત રાખ્યો છે અને સંકટના સમયમાં તેમના સેવા ખાસ કરીને પ્રશંસનિય રહી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે ટિ્વટ કર્યું, #ArmyDay પર તમામ ભારતીય સેનાના જવાનોને અને તેમના પરિવારોને શુભકામના. રાષ્ટ્ર તેમના અદમ્ય સાહસ, વીરતા, બલિદાન અને સેવાને નમન કરે છે. ભારતને સુરક્ષિત રાખવા માટે ભારતીય સેનાના પ્રયાસો પર અમને ગર્વ છે.