અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સ્વત્રતા બાદ દેશ માટે પ્રાણોની આહૂતિ આપનાર શહીદોની યાદમાં તૈયાર કરવામાં આવેલા ભવ્ય રાષ્ટ્રીય સમર સ્મારકને રાષ્ટ્રને સુપ્રત કર્યું હતું. આ ગાળા દરમિયાન મોદીએ દેશની સેના અને શહીદોના પરિવાર માટે પોતાની સરકાર દ્વારા લેવામાં આવેલા જુદા જુદા પગલાઓનો ઉલ્લેખ કર્યો હતો. સાથે સાથે કોંગ્રેસ અને ખાસ કરીને નહેરુ-ગાંધી પરિવાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, બોફોર્સથી લઇને હેલિકોપ્ટર સુધી તમામ તપાસ એક જ પરિવાર સુધી પહોંચી છે જે ઘણી બધી બાબતો કહી જાય છે. દેશની રાષ્ટ્રીય સુરક્ષા સાથે રમત કરવાનો કોંગ્રેસ ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે, કેટલાક લોકો માટે દેશ પહેલા નહીં પરિવારના હિત પહેલા છે.
રાફેલ ટૂંક સમયમાં જ જ્યારે ઉંડાણ ભરશે ત્યારે તમામ આક્ષેપો અને કાવતરા પોતાની રીતે જ ધ્વંસ થઇ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઈન્ડિયા ગેટ પાસે ૪૦ એકરમાં બનાવવામાં આવેલા નેશનલ વોર મેમોરિયલ રાષ્ટ્રને સમર્પિત કર્યું. આ દરમિયાન મોદીએ કોંગ્રેસનું નામ લીધા વગર ગત સરકાર પર નિશાન સાધ્યું હતું. તેઓએ કહ્યું કે સૈનિકોની સાથે ગત સરકારે અન્ય કર્યો કેમકે તેમના માટે માત્ર એક પરિવાર પહેલો હતો. નેશનલ વોર મેમોરિયલ તે જવાનો પ્રત્યે સન્માનનું સૂચક છે જેઓએ દેશની રક્ષા માટે પોતાનો જીવ ગુમાવ્યાં છે. મેમોરિયલ દેશની રક્ષા માટે શહીદ થયેલાં ૨૫ હજાર ૯૪૨ વીર જવાનોની યાદમાં બનાવવામાં આવ્યું છે. નેશનલ વોર મેમોરિયલ એવી રીતે બનાવવામાં આવ્યું છે કે, જેનાથી રાજપથ અને તેની ભવ્ય સંરચના સાથે કોઈ ચેડા ન થાય. જોકે આ સંપૂર્ણ મેમોરિયલ તૈયાર થતાં હજી અમુક વર્ષો લાગશે. આ મેમોરિયલ બનાવવા માટે પ્રાથમિક ખર્ચ રૂ. ૫૦૦ કરોડ અંદાજવામાં આવ્યો છે. આ દરમિયાન મોદીએ કહ્યું કે, “આજે આપણી સેના વિશ્વની સૌથી તાકાતવર સેનાઓમાંથી એક છે.
આપણાં સૈનિકોએ પહેલો વાર પોતાની ઉપર લીધો અને પડકારોનો જવાબ આપ્યો. જ્યારે લતા દીદીએ એ મેરે વરતન કે લોગો… નો સ્વર આપ્યો હતો ત્યારે દેશના કરોડો લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. હું પુલવામાના શહીદોને નમન કરું છું. નવું હિંદુસ્તાન, નવી નીતિ અને રીતિની સાથે આગળ વધી રહ્યું છે. જેમાં એક મોટું યોગદાન સૈનિકોના શોર્ય, અનુશાસન અને સમર્પણનું છે. વડાપ્રધાને કહ્યું કે, “આઝાદી પછી ૭૦ વર્ષથી આ મેમોરિયલની માગ કરવામાં આવી રહી હતી. સૈનિકો માટે વન રેંક વન પેન્શન લાગુ થઈ ગયું છે. સરકાર ૩૫ હજાર કરોડ રૂપિયા વિતરિત કરી ચુક્યાં છે. વિચારો એક તે પણ સરકાર હતી, જે કહેતી હતી કે માત્ર ૫૦૦ કરોડ રૂપિયામાં ઓઆરઓપી લાગુ થઈ જશે. હાલના સૈનિકોની સેલેરીમાં પણ વધારો થયો છે. પૂર્વ સૈનિકોને પેન્શન માટે ઓફિસોના ધક્કા ન ખાવા પડે તે માટે પણ ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવી રહ્યું છે. જે સૈનિક ડ્યૂટી દરમિયાન જીવ ગુમાવે છે તેમનો પરિવાર પણ પેન્શનનો હકદાર રહેશે. દેશનું મનોબળ સેનાનું મનોબળથી નક્કી થાય છે.
કોંગ્રેસનું નામ લીધા વગર મોદીએ કહ્યું, “અમારી સરકાર આવી તે પહેલાં શું થઈ રહ્યું હતું, તેને ફરી કહેવા માંગીશ. પોતાને ભારતના ભાગ્ય વિધાતા સમજનારાઓએ સૈનિક અને રાષ્ટ્રીય સુરક્ષા સાથેની રમત કરવામાં કોઈ કસર છોડી ન હતી. ૨૦૦૯માં સેનાએ બુલેટ પ્રુફ જેકેટની માગ કરી હતી, પરંતુ ૨૦૧૪ સુધી પાંચ વર્ષમાં તેઓને ખરીદીને ન આપવામાં આવ્યાં. અમે ૨ લાખ ૩૦ હજારથી વધુ જેકેટ ખરીદ્યાં. આપણાં જવાનોને સુરક્ષા કવચથી વંચિત રાખવાનું પાપ કરવામાં આવ્યું. તે લોકોએ સેના અને સુરક્ષાને કમાણીનું સાધન બનાવી લીધું હતું. મારા ખ્યાલથી શહીદોને મદદ કરવાનું તેઓને યોગ્ય ન લાગ્યું, તેથી ભુલવાનું જ યોગ્ય માન્યું હતું. બોફર્સ અને અન્ય કૌભાંડને એક પરિવાર સુધી પહોંચાડવું ઘણું બધું કહે છે. જ્યારે રાફેલ ઉડાન ભરશે તો તેઓને જવાબ મળશે. રાષ્ટ્રહિતને અવગણીને જે નિર્ણયો દશકાથી રોકાયેલાં હતા તે અમે પૂરાં કરી રહ્યાં છીએ. મોદીએ કહ્યું, સેનામાં દીકરીઓની ભાગીદારી વધારવા માટેનાં નિર્ણયો કરવામાં આવી રહ્યાં છે. મિલ્ટ્રી પોલીસ અને શોર્ટ સર્વિસ કમીશનમાં મહિલાઓને પુરૂષ સાથીઓની બરોબર લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકાર રક્ષા સૌદાને નિર્ધારીત સમયમાં પૂરાં કરવાના પ્રયાસ કરે છે.
હવે આપણી સેના કોઈ પણ એનઓસી વગર ખાનગી ક્ષેત્ર પાસેથી સામાન ખરીદી શકે છે. ભારત તે દેશ છે, જેને યુએનના ૭૦માંથી ૫૦ મિશનમાં પોતાના સૈનિકોને મોકલ્યાં છે. આ ગૌરવની વાત છે કે આપણાં પ્રયાસોથી વિશ્વના દેશો ખભેથી ખભા મિલાવીને ચાલવા ઈચ્છે છે. એક પછી એક દેશ આપણી સાથે રક્ષા ડીલ કરવા માગે છે. આપણી સેના બીજા દેશની સેના સાથે સંયુક્ત અભિયાસ કરે છે.આ મેમોરિયલના કેન્દ્રમાં ૧૫ મીટર ઉંચો સ્મારક સ્તંભ બનાવવામાં આવ્યો છે. તેના પર ભિંત ચિત્ર, ગ્રાફિક પેનલ, શહીદોના નામ અને ૨૧ પરમવીર ચક્ર વિજેતાઓની મૂર્તી બનાવવામાં આવી છે. સ્મારક ચાર ચક્રો પર કેન્દ્રીત છે- અમર ચક્ર, વીરતા ચક્ર, ત્યાગ ચક્ર અને રક્ષક ચક્ર. તેમાં આર્મી, એરફોર્સ અને નેવીના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. શહીદોના નામ દિવાલોની ઈંટો પર લખવામાં આવ્યા છે. સ્મારકનો નીચેનો ભાગ અમર જવાન જ્યોતિ જેવો છે. પહેલીવાર ૧૯૬૦માં નેશનલ વોર મેમોરિયલ બનાવવાનો પ્રસ્તાવ સશસ્ત્ર બળ દ્વારા આપવામાં આવ્યો હતો.