મુંબઈ : મહારાષ્ટ્રના પાટનગર મુંબઈમાં આજે સાંજે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન નજીક એક મોટી દુર્ઘટના થઇ હતી. મુંબઈના સીએસટી સ્ટેશન ઉપર ફુટ ઓવરબ્રિજ ધરાશાયી થતાં ચાર લોકોના મોત થઇ ગયા છે અને ૪૦થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકો પૈકી ચારથી પાંચ લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી છે.
બીજી બાજુ ઘાયલ થયેલા તમામ ૪૦ લોકોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કાટમાળમાં હજુ પણ મોટી સંખ્યામાં ફસાયેલા હોવાની માહિતી મળી રહી છે. છત્રપતિ શિવાજી ટર્મિનસના પ્લેટફોર્મ નંબર ૧ પર બનેલો બ્રિજ એકાએક ધરાશાયી થયો હતો. સીએસટી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ અને બીટી લેનની વચ્ચે બનેલો ફુટઓવરબ્રિજ તુટી પડ્યો હતો. બ્રિજ ધરાશાયી થતાં અનેક લોકો તેના સકંજામાં આવી ગયા હતા. આ બનાવ બાત તરત જ ઘટનાસ્થળે પહોંચેલી રેલવે પોલીસની ટીમ અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમોએ સ્થાનિક લોકોની મદદથી લોકોને કાટમાળ હેઠળથી બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરી હતી. ઘાયલ થયેલા લોકો પૈકી અનેકની હાલત ગંભીર જણાવવામાં આવી છે.
ચાર લોકોને મૃત જાહેર કરી દેવામાં આવ્યા છે. મોટાપાયે બચાવ અને રાહત કામગીરી હાથ ધરાઈ છે. ગંભીરરીતે ઘાયલ થયેલા લોકોને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. ઘટનાના પગલે આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. એનડીઆરએફ, મુંબઈ પોલીસ અને રેલવે પોલીસની ટીમો બચાવ અને રાહત કામગીરીમાં લાગેલી છે. સાક્ષીઓનું કહેવું છે કે, જે વખતે આ બનાવ બન્યો ત્યારે બ્રિજની નીચે મોટી સંખ્યામાં લોકો હતા. વાહનો પણ હતા જેથી ઘાયલોની સંખ્યા વધારે હોઈ શકે છે. એનડીઆરએફ અને પોલીસની ટીમો સામે પણ અનેક પડકારો કાટમાળને ખસેડવા માટેના રહેલા છે.