અમદાવાદ : અમદાવાદ શહેરની જાણીતી હોટલ નોવોટેલ ખાતે તા.૧૬ નવેમ્બરથી તા.૨૫ નવેમ્બર સુધી એમ ૧૦ દિવસ માટે ટેસ્ટ ઓફ બેંગાલ ફૂડ ફેસ્ટિવલનું આયોજન ધ સ્ક્વેરમાં કરાયું છે. બેંગાલ ફુડ ફેસ્ટીવલની થીમ પર સૌપ્રથમવાર યોજાઇ રહેલા ફુડ ફેસ્ટીવલમાં તમામ ફૂડ લવર્સ માટેનો એકદમ યોગ્ય સમય છે કે જ્યાં તેઓ અમદાવાદમાં જ બંગાળી વાનગીઓનો સ્વાદ માણી શકશે. આ બંગાળી વાનગીઓ મહેમાનોને બંગાળના શેફ્સ દ્વારા તૈયાર થયા પછી પીરસાશે એમ અત્રે નોવોટેલ અમદાવાદના જનરલ મેનેજર રિદુલ ડેકાએ જણાવ્યું હતું.
અમદાવાદના એક્ઝિક્યુટિવ શેફ રવિ બંગાળના શેફ સાથે કાળજીપૂર્વક તૈયાર કરાયેલા આ ફેસ્ટિવલ માટેના મેન્યુમાં બંગાળની વિવિધતાપૂર્ણ વાનગીઓનો સમાવેશ કરાશે. ફેસ્ટિવલ માટે, શેફ્સ સિગ્નેચર બંગાળી ડિશીઝ જેમકે ઢોકર દાલના, બેગન ભાજા, શોર્સે ઈલિસ, કોશા મંગશો તેમજ જાણીતી કોલકાતા ચોઉમેન તૈયાર કરશે અને બંગાળી ભોજન તેના મોંમાં પાણી લાવતા ડેઝર્ટ વિના અધૂરું રહે છે તેથી તમે સ્વાદિષ્ટ રશોગુલ્લા, ખીર કદમ, સંદેશ, મિશ્ટી દોઈ જેવી ચીજોનો સ્વાદ માણી શકો છો.
નોવોટેલ અમદાવાદના જનરલ મેનેજર રિદુલ ડેકાએ જણાવ્યું હતું કે, નોવોટેલ અમદાવાદ હંમેશા જાણીતી પ્રાદેશિક વાનગીઓ તૈયાર કરવા અને અમદાવાદમાં અમારા મહેમાનોને તે સર્વ કરવા પર લક્ષ આપે છે. છેલ્લા કેટલાક સમયમાં અમે આસામ, પંજાબ, ગોવા સહિતના પ્રદેશોની વાનગીઓ સફળતાપૂર્વક રજૂ કરી હતી. અમારા આગામી ફૂડ ફેસ્ટિવલ માટે, અમે પૂર્વની વાનગીઓ પીરસવાનું નક્કી કર્યુ છે. બંગાળી વાનગીઓ આ પ્રદેશમાં ઘણી લોકપ્રિય છે અને અમારા શેફ પશ્ચિમ બંગાળની વાનગીઓ તૈયાર કરશે. આ સાથે બેકગ્રાઉન્ડમાં જૂનું બંગાળી ક્લાસિક સંગીત પણ રેલાશે જેથી પૂર્વના ભોજનનો આનંદ બેવડાશે. એક અનોખો અનુભવ આ રીતે શહેરની બહાર પગ મૂક્યા વિના પૂર્વની વાનગીઓનો આસ્વાદ આ અદ્ભુત ફુડ ફેસ્ટીવલમાં લોકો માણી શકશે.