ભદ્રકાળી મંદિરના પટાંગણમાં લોકસંગીતોત્સવ–2026 માં લોકગાયક સાગરદાન ગઢવી આજે મચાવશે ધૂમ

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

અમદાવાદ : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર અને ડીસીપી ઝોન–૨, અમદાવાદ શહેરના સંયુક્ત ઉપક્રમે “લોકસંગીતોત્સવ–2026” અંતર્ગત અમદાવાદ શહેરની નગરદેવી શ્રી ભદ્રકાળી માતા મંદિરના પટાંગણમાં ભવ્ય લોકસંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ તા. 17 જાન્યુઆરી 2026ના રોજ રાત્રે 8:30 કલાકથી યોજાશે, જેમાં ગુજરાતના પ્રખ્યાત યુવા લોકગાયક સાગરદાન ગઢવી તથા જાણીતા લોકસાહિત્યકાર સુખદેવ ગઢવી દ્વારા લોકસંગીત અને લોકસાહિત્યની મનમોહક રજૂઆત કરવામાં આવશે. પરંપરાગત લોકધૂન, લોકગીતો અને લોકવાર્તાઓના માધ્યમથી તેઓ ગુજરાતની સમૃદ્ધ લોકસંસ્કૃતિને જીવંત કરશે.

લોકસંગીતના તાલે ઉપસ્થિત દર્શકો ભારે ઉત્સાહ અને આનંદ સાથે કાર્યક્રમને વધાવશે તેવી અપેક્ષા છે. લોકકલા અને લોકસંસ્કૃતિના સંરક્ષણ, સંવર્ધન અને પ્રચારના ઉદ્દેશ સાથે આયોજિત આ ઉત્સવ અમદાવાદના નાગરિકો માટે વિશેષ આકર્ષણ બનશે. આ કાર્યક્રમના સફળ આયોજન માટે અમદાવાદ પોલીસ ઝોન–૨ના ડીસીપી શ્રી ભરત રાઠોડ, કારંજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભાટી તેમજ અન્ય પોલીસ કર્મચારીઓનો મહત્વપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો છે. ઉપરાંત, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ફાયર વિભાગ તરફથી પણ સંપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો છે. લોકસંસ્કૃતિને સમર્પિત આ “લોકસંગીતોત્સવ–2026”ને અમદાવાદના નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

Share This Article