હવે પુરગ્રસ્ત પાંચ રાજયમાં મોતનો આંકડો ૨૫૦ થયો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

નવી દિલ્હી : દેશના જુદા જુદા પુરગ્રસ્ત પાંચ રાજ્યોમાં હાલત કફોડી બનેલી છે. તમામ પુરગ્રસ્ત રાજ્યોમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. પુરગ્રસ્ત રાજ્યોમાં મોતનો આંકડો વધીને હવે ૨૫૦ ઉપર પહોંચી ગયો છે. પુરથી સૌથી વધારે ગ્રસ્ત કેરળમાં મોતનો આંકડો વધીને ૧૧૨ ઉપર પહોંચી ગયો છે. મધ્યપ્રદેશમાં પણ ૭૦થી વધુ લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં મોતનો આંકડો વધીને ૫૪ ઉપર પહોંચી ગયો છે.  કેરળમાં પુરના કારણે  ૧૧૨ લોકોના મોત થઇ ચુક્યા છે. સેંકડો લોકો હજુ પણ લાપત્તા થયેલા છે. કેરળના અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરીમાં સેના અને એનડીઆરએફની ટીમો લાગેલી છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ છે.

કેરળના સાત જિલ્લામાં રેડ એલર્ટની જાહેરાત અકબંધ રાખવામાં આવી છે. કેરળના જે સાત જિલ્લામાં રેડ એલર્ટની જાહેરાત કરવામા આવી છે તેમાં એર્નાકુલમ, ઇડુકી, પલક્કડનો સમાવેશ થાય છે. એનડીઆરએફની ૧૩ ટીમો કેરળમાં હજુ રાહત કામગીરીમાં લાગેલી છે. કેરળમાં વર્ષ ૨૦૧૮માં પણ ભારે વરસાદ થયો હતો. વર્ષ ૨૦૧૮માં ૪૧૭ લોકોના મોત થયા હતા. તમામ પુરગ્રસ્ત રાજ્યોમાં મુખ્યપ્રધાન હવાઇ સર્વેક્ષણ કરીને માહિતી મેળવી રહ્યા છે. અહીં ૧.૬૫ લાખથી પણ વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે.પ્રાપ્ત અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં સ્થિતિમાં આંશિક સુધારો થયો છે પરંતુ બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં પુર અને ભારે વરસાદથી હજુ સુધી ૫૪ લોકોના મોત થઇ ચુક્યા છે. સાંગલી, કોલ્હાપુર, સોલાપુર, પુણે અને સતારામાં ફસાયેલા ૨૦૫૫૯૧ લોકોને સુરક્ષિત સ્થળ પર લઇ જવામાં આવ્યા છે. કોલ્હાપુરમાં ૯૭૧૦૨ લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે. પશ્ચિમી મહારાષ્ટ્રમાં ૨.૮૫ લાખ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સાંગલીમાં નવ લોકો હજુ પણ લાપતા છે.

કોલ્હાપુરમાં પણ અનેક લોકો હાલ લાપતા છે.  તમામ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે હાલત કફોડી છે. બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. અસરગ્રસ્ત રાજ્યોમાં પુર પ્રભાવિત વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ બચાવ અને રાહત કામગીરીમાં લાગેલી છે. મોટી સંખ્યામાં લોકોને બચાવી લેવામાં આવ્યા છે.ભારે વરસાદ બાદ હવે રોગચાળોનો ખતરો ઉભો થઇ ગયો છે.   ભારે વરસાદ વચ્ચે કર્ણાટકમાં હવે સ્થિતીમાં સુધારો થઇ રહ્યો છે. કર્ણાટકમાં હજુ સુધી ૪૦  લોકોના મોત થયા છે. કર્ણાટકના ૧૭ જિલ્લાઓમાં પુરની સ્થિતિ રહેલી છે. ૩.૧૪ લાખ લોકોને સુરક્ષિતરીતે ખસેડવામાં આવી ચુક્યા છે. કર્ણાટકમાં ૯૨૪ રાહત કેમ્પોમાં ૨.૧૮ લાખ લોકોને રાખવામાં આવ્યા છે. એનડીઆરએફની ૧૯ ટીમો બચાવ અને રાહત કામગીરીમાં લાગેલી છે.

જયપુરથી પ્રાપ્ત અહેવાલ મુજબ રાજસ્થાનમાં પણ પુરની સ્થિતી વિકટ બની ગઇ છે. જોધપુર, પાલી નાગોર માટે રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. આ તમામ વિસ્તારોમાં તંત્ર સાબદુ બનેલુ છે.

Share This Article