નવીદિલ્હી : દેશની દિગ્ગજ ઇ કોમર્સ કંપની ફ્લિપકાર્ટના સીઈઓ બિની બંસલે પોતાના હોદ્દા પરથી તાત્કાલિક અસર સાથે રાજીનામુ આપી દીધું છે. કંપનીના વોલમાર્ટ તરફથી અધિગ્રહણ કરવામાં આવે તેના છ મહિના બાદ જ આ આશ્ચર્યજનક ઘટના સપાટી ઉપર આવી છે. બિની બંસલે પોતાના જુના મિત્ર સચિન બંસલની સાથે મળીને ફ્લિપકાર્ટની સ્થાપના કરી હતી પરંતુ સચિને કંપનીના વેચાઈ જવાના સમય સુધી કેટલીક બાબતોનો ખુલાસો કર્યો હતો. સચિને એ વખતે જ રાજીનામુ આપી દીધું હતું.
હજુ સુધી આ બાબત સ્પષ્ટ થઇ નથી કે, રાજીનામુ આપી દીધા બાદ બિની બંસલ બોર્ડમાં રહેશે કે કેમ. જાણકાર લોકોનું કહેવું છે કે, ગંભીર અંગત આરોપો બાદ ફ્લિપકાર્ટ અને વોલમાર્ટ તરફથી કરવામાં આવેલી સ્વતંત્ર તપાસ બાદ બિનીએ આ નિર્ણય કર્યો છે. સમગ્ર મજબૂતી સાથે આરોપોને ફગાવી દેવામાં આવ્યા છે. બિનીને લઇને આક્ષેપબાજીનો દોર પહેલાથી જ ચાલી રહ્યો હતો. વોલમાર્ટ તરફથી પણ કહેવામાં આવ્યું છે કે, બિની બંસલે ફ્લિપકાર્ટ ગ્રુપના સીઈઓના હોદ્દાથી રાજીનામુ આપી દીધું છે. બિની કંપનીની સહસ્થાપનાના સમયથી જ મહત્વપૂર્ણ હિસ્સા તરીકે હતા.