મુંબઇ: શેરબજારમાં આજે શરૂઆતી કારોબારમાં મંદી રહી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૩૦ પોઇન્ટ ઘટીને ૩૮૨૮૨ની નીચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૦ પોઇન્ટ ઘટીને ૧૧૫૭૧ની નીચી સપાટી પર રહ્યો હતો. શેરબજારમાં આજે આ સ્થિતી રહી શકે છે. આગામી સપ્તાહમાં અનેક કંપનીઓના પરિણામ જારી કરવામાં આવનાર છે જેમાં મારુતિ સુઝુકી, તાતા અને મહિન્દ્રા શનિવારના દિવસે તેમના વેચાણના આંકડા જારી કરશે. શુક્રવારના દિવસે જીડીપીના આંકડા જારી કરવામાં આવ્યા હતા જેમાં જૂન ત્રિમાસિક ગાળામાં ઉલ્લેખનીય સ્થિતિ રજૂ કરવામાં આવી હતી. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન) માટે દેશનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ગ્રોથ રેટ રેકોર્ડ ગતિએ વધીને ૮.૨ ટકા સુધી પહોંચી ગયો છે.
શુક્રવારે ત્રિમાસિક ગાળામાં અર્થતંત્ર સૌથી ઝડપથી વધતા મોદી સરકારને પણ મોટી રાહત મળી છે. જીડીપી ગ્રોથરેટ છેલ્લા ત્રિમાસિક ગાળામાં ૭.૭ ટકા હતો જ્યારે અગાઉના નાણાંકીય વર્ષમાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૫.૫૯ ટકા હતો. તમામ અર્થશાસ્ત્રીઓની ગણતરી કરતા પણ વધારે ઉંચો ગ્રોથરેટ રહ્યો છે. ભારત સૌથી ઝડપથી ઉભરી રહેલા અર્થતંત્ર તરીકે હોવાની વિગત હવે સ્પષ્ટ થઇ ચુકી છે. બીજા ત્રિમાસિક ગાળામાં ચીનમાં ગ્રોથરેટ ૬.૭ ટકાનો રહ્યો હતો.
સરકાર દ્વારા જારી કરવામાં આવેલા ડેટાના બીજા સેટમાં આ કોર સેક્ટરમાં ગ્રોથ રેટ જુલાઈમાં ૬.૬ ટકા રહ્યો છે જે કોલસા, રિફાઈનરી, સિમેન્ટ, ફર્ટીલાઇઝરમાં હેલ્થી ઉત્પાદનનું ચિત્ર રજૂ કરે છે. બીજી બાજુ શુક્રવારના દિવસે શેરબજારમાં ફ્લેટ સ્થિતિ રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૪૫ પોઇન્ટ ઘટીને ૩૮૬૪૫ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ચાર પોઇન્ટ ઘટીને ૧૧૬૮૦ની નીચી સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં હાલમાં પ્રવાહી સ્થિતી રહેવાના કારણે રોકાણ કરવા માટે મુડીરોકાણકારો ખચકાટ અનુભવ કરી રહ્યા છે.