મહારાષ્ટ્રના ધૂલેમાં બાળક ચોરી કરતી ગેંગની શંકાથી પાંચ જણાની ઢોર માર મારી હત્યા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મહારાષ્ટ્રના ધૂલેમાં બાળક ચોરી કરતી ગેંગ હોવાની શંકાથી ટોળાએ ઢોર માર મારતા  પાંચ જણની કરપીણ હત્યા થતા ચકચાર મચી ગઈ  છે. બીજી તરફ આ બનાવ બાદ પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં  સાતેક પોલીસ જખમી થયા હતા. સામૂહિક હત્યાકાંડને  કારણે પરિસ્થિતિ તનવાપૂર્ણ બની ગઈ હતી.  આથી અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં  આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં અનેક સ્થળે ગત થોડા દિવસથી બાળક ચોરી કરવાની શંકાથી મારપીટની અનેક ઘટના બની છે. અમુક જણની હત્યા પણ કરવામાં આવી છે.  સોશિયલ મીડિયામાં  બાળક ચોરીની અફવા ઝડપથી પ્રસરતી હોય છે. આથી લોકોમાં ગભરાટ ફેલાય જતો હોય છે. ધુળેના સાકી તાલુકાના રાઈનપાડા ગામમાં  આજે ભરાયેલી બજારમાં આઠેક જણ ફરતા હતા.  બાળક ચોરી કરતી ગેંગ બજારમાં ફરતી હોવાની અફવા સ્થાનિક લોકોમાં પ્રસરી ગઈ  હતી. તેમણે શંકાના આધારે પાંચ જણને પકડીને  મારપીટ કરી હતી.  તેમના ગંભીર  ઈજા થતા મોત થયા હતા. મામલાની જાણ થતા પોલીસ ગામમાં પહોંચી ગઈ હતી.  પણ લોકોએ તેમની પણ મારઝૂડ કરતા અમુક પોલીસને ઈજા થઈ હતી. ગામમાં તંગદિલી ફેલાઈ જતા સુરક્ષા વ્યવસ્થા માટે નંદુરબાર, નાશિક અને અન્ય સ્થળેથી પણ પોલીસ બોલાવવામાં આવી હતી. આ ચકચારજનક કેસમાં અમુક જણને પકડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

તાજેતરમાં આવી ઘણી ઘટનાઓ ઘટી છે. આ એક મૉબ  સાયકોલોજીની ઘટના છે. શંકાસ્પદ માણસ જોઈને લોકોએ તેની પૂછપરછ કરવાને બદલી મારપીટ કરતા હોય  છે. ઘણી વખતે ગુનેગાર ન હોવા છતાં  નિર્દોષ વ્યક્તિ લોકોના ગુસ્સાનો ભોગ બનતી હોય છે. આખી જનજાગૃતિની જરૃર છે. મૉબ સાયકોલોજીના લીધે એક જણ મારપીટ કરે તો તમામ લોકો તેના પર તૂટી  પડતી હોય છે. ઉલ્લેખનીય છે કે ઔરંગાબાદમાં આ પ્રકારની અફવાને  લીધે  થોડા દિવસ દરરોજ અમુક કલાક માટે ઈન્ટરનેટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આવી  ઘટના વધી રહી હોવાથી પોલીસ મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે. અફવાના પાપે છેલ્લાં ત્રણ વર્ષમાં દેશભરમાં  ૧૦૦થી વધુ હત્યા સોશિયલ મિડિયાની મદદથી વીજળીની ઝડપે ફેલાતી અફવાને પાપે કેટલાય નિર્દોષ લોકોએ જીવ ગુમાવવા પડે છે.

Share This Article