શ્રીનગર : જમ્મુકાશ્મીરના શોપિયનમાં ભારતીય સેનાને આજે મોટી સફળતા હાથ લાગી હતી. સેનાએ એક મોટી કાર્યવાહીને અંજામ આપીને પાંચ કુખ્યાત ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ઠાર કરી દેવામાં આવેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. શુક્રવારે સેનાને માહિતી મળી હતી કે કિલોરામાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ છુપાયા છે. બાતમી મળ્યા બાદ તરત જ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઘટનાસ્થળે સેનાના જવાનો પહોંચ્યા બાદ ત્રાસવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાબી કાર્યવાહી કરવામાં આવ્યા બાદ થોડાક સમય સુધી સામ સામે ગોળીબારની રમઝટ જામી હતી. ત્યારબાદ તમામ ત્રાસવાદી ઠાર થયા હતા. ભારતીય સેનાની આને મોટી સફળતા તરીકે ગણવામાં આવે છે. ગઇકાલે સેનાએ ત્રાસવાદી કમાન્ડરને ઠાર મારી દીધો હતો. આ સ્થળ પર જ આજે સવારે ફરી અથડામણ શરૂ થયા બાદ બીજા ચાર ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. સેનાએ ગઇકાલે લશ્કરે તોયબાના કમાન્ડર ઉમર મલિકને ઠાર કરી હતો. તેની પાસેથી એકે ૪૭ મળી આવી હતી.
હાલમાં સુરક્ષા દળોને એક પછી એક મોટી સફળતા મળી રહી છે. હાલમાં અનેક કુખ્યાત ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આજે સવારે જમ્મુ કાશ્મીરના પોલીસ ડીજીપીએ ભારતીય સેનાની કાર્યવાહીની ભારે પ્રશંસા કરી હતી. દરમિયાન બે ત્રાસવાદીઓને હથિયાર સાથે પકડી પાડવામાં આવ્યા છે. આ પહેલા જમ્મુ કાશ્મીરના સોપિયન જિલ્લાના બડગામમાં સેના અને સુરક્ષા દળોને આજે હજુ સુધીની સૌથી મોટી સફળતા હાથ લાગી હતી. સુરક્ષા દળોએ ઓપરેશન ઓલઆઉટના ભાગરુપે આજે પાંચ કુખ્યાત આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. છઠ્ઠી મેના દિવસે ઠાર કરવામાં આવેલા આતંકવાદીઓમાં હિઝબુલ મુઝાહિદ્દીનના અનેક ટોચના કમાન્ડરો પણ સામેલ હતા. આ ઓપરેશનની સાથે જ બુરહાનવાનીની સમગ્ર ગેંગનો સફાયો થયો હતો. બુરહાન વાનીને ઠાર કરવામાં આવ્યા બાદ તેના કુખ્યાત ત્રાસવાદીઓ સક્રિય થયેલા હતા પરંતુ મોટુ ઓપરેશન પાર પાડીને કુખ્યાત ત્રાસવાદીઓનો સફાયો કરી દેવામાં આવ્યો હતો.
મે મહિનામાં અથડામણમાં હિઝબુલનો કમાન્ડર સદ્દામ અને તેના બે સાથી બિલાલ મૌલવી અને આદિલ સહિત પાંચ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. સદ્દામને પોસ્ટરબોય તરીકે પણ ગણવામાં આવી રહ્યો હતો. સદ્દામ હિઝબુલનો ટોપ કમાન્ડર હતો અને બુરહાન વાની બ્રિગેડમાં સામેલ રહેલા ત્રાસવાદીઓ પૈકી એક માત્ર જીવિત કમાન્ડર હતો. સદ્દામને ખુબ જ કુખ્યાત આતંકવાદી તરીકે ગણવામાં આવતો હતો. આજના એન્કાઉન્ટરને ધ્યાનમોં લઇને સુરક્ષાના ભાગરુપે દક્ષિણ કાશ્મીરમાં મોબાઇલ અને ઇન્ટરનેટની સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
પોલીસ અધિકારીએ કહ્યું છે કે સોપિયાના જેનાપુરા વિસ્તારમાં બડીગામ ગામમાં આતંકવાદીઓની ઉપÂસ્થતિ અંગે માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં સીઆરપીએફના જવાનો પણ જોડાયા હતા. અધિકારીઓના કહેવા મુજબ શોધખોળ ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારે છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો ઉપર ગોળીબાર શરૂ કરી દીધો હતો. સુરક્ષા દળો તરફથી પણ જવાબીકાર્યવાહી કરવામાં આવી હતી બીજી બાજુ પોલીસ અધિકારીઓના કહેવા મુજબ પાંચેય ત્રાસવાદીઓની ઓળખ કરી લેવામાં આવી છે. આર્મી, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત રીતે આ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. બીજી બાજુ સોપિયનમાં આ સમાચાર આગની જેમ ફેલાતાની સાથે જ પુલવામા અને દક્ષિણ કાશ્મીરના અન્ય ભાગોમાં હિંસાની શરૂઆત થઇ હતી.