અમેરિકાના કેલિફોર્નિયાના ગુરુદ્વારામાં ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ફાયરિંગ કેલિફોર્નિયાના સ્કોટનમાં થયું છે. સ્થાનિક પોલીસે આ ઘટનાની પુષ્ટી પણ કરી છે. પોલીસના જણાવ્યાં મુજબ આ ઘટના શનિવારે સાંજે લગભગ ૭ વાગ્યાની છે. આ ફાયરિંગમાં બે લોકો ઘાયલ પણ થયા. એવું કહેવાય છે કે બંને એકબીજાને પહેલેથી જાણતા હતા. બંને ઘાયલ લોકો હોસ્પિટલમાં દાખલ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ બે શીખ જૂથોમાં વિવાદ બાદ આ ફાયરિંગ થયું. ફાયરિંગ કરનારા અને પીડિત બંને શીખ સમુદાયમાંથી આવે છે. સ્કોટન કેલિફોર્નિયાનું એક શહેર છે જ્યાં પ્રત્યેક વર્ષે શીખ પરેડ (નગર કીર્તન) કાઢવામાં આવે છે. શનિવારે પણ આ પરેડ કાઢવાની હતી. આ પરેડમાં અમેરિકા અને કેનેડાના લગભગ ૫૦ હજાર લોકો સામેલ થાય છે. ત્યાં હાજર ગુરુદ્વારા સાહિબનો લગભગ એક મિની યાર્ડ છે. આ જગ્યા પર બંને યુવકો વચ્ચે ઘર્ષણ થયું. આ યુવકોની ઉંમર લગભગ ૨૨ વર્ષ જેટલી છે.
મળતી માહિતી મુજબ આ બંને યુવકો વચ્ચે ઝઘડો થયો અને પછી ફાયરિંગ થયું. ફાયરિંગ દરમિયાન ૩ શોટ ફાયર કરાયા જેમાંથી બે લોકોને ગોળી વાગી. જ્યારે પોલીસે એક યુવકની અટકાયત કરી. જો કે પોલીસે કહ્યું છે કે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે અન્ય આરોપીઓની શોધ ચાલુ છે. અમેરિકાના ટાઈમ મુજબ બપોરે અઢી વાગ્યાની આસપાસ આ ફાયરિંગ થયું. ત્યાંના સ્થાનિક લોકોનું કહેવું છે કે એક જ સમુદાયના લોકો પરસ્પર ઝઘડાના કારણે આ ફાયરિંગ થયું. કેટલાક સ્થાનિકોનું કહેવું છે કે ત્યાં ગેંગ વચ્ચે આપસી અદાવતનું પણ પરિણામ હોઈ શકે છે. જો કે પોલીસ તરફથી આવી કોઈ પુષ્ટી કરાઈ નથી.