અમદાવાદ : વડોદરાના તરસાલી રવિ પાર્ક ચાર રસ્તા પાસેના પાનના ગલ્લા પર સોમવારે રાત્રે સિવીલ ડ્રેસમાં દરોડો પાડવા ગયેલા તરસાલી ચોકીના પીએસઆઇ શક્તિસિંહ ચુડાસમા સાથે વેપારીના પુત્રની ઝપાઝપી થયા બાદ ટોળકીએ સર્વિસ રિવોલ્વર ખૂંચવવાની કોશિશ કરતા પીએસઆઇએ ચાર રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. આ ફાયરીંગમાં વેપારીના પુત્ર સિમીત પ્રજાપતિને પેટમાં ત્રણ ગોળી વાગતાં તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો. પીએસઆઇ દ્વારા સર્વિસ રિવોલ્વરમાંથી ફાયરીંગની ઘટનાને લઇ ભારે ચકચાર મચી ગઇ હતી. તો બાદમાં ખુદ પીએસઆઇ ચુડાસમાએ જ ઇજાગ્રસ્ત યુવક સહિતના લોકો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં સમગ્રમ મામલો ગરમાયો હતો. જો કે, સ્થાનિક પોલીસે હવે સમગ્ર મામલામાં સાચુ કોણ અને આખરે સાચી હકીકત બનાવમાં શું હતી તેની તપાસ આરંભી છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, પીએસઆઇ ચુડાસમાને પાનના ગલ્લા પર બેઠેલા સિમીતના પિતા સાથે રકઝક થઇ હતી અને હાથ ઉગામ્યો ત્યારે સિમીતે આવીને હાથ પકડી લીધા બાદ બોલાચાલી થઇ હતી. પીએસઆઇ ચુડાસમા બુલેટ લઇને રાત્રે ડયુટી પુરી કરીને ઘેર જતા હતા ત્યારે પાનના ગલ્લા પાસે દારુની પ્રવૃત્તીની શંકા જતાં તેમણે ચેક કર્યું હતું. તે દરમિયાન બહાર બેઠેલા વ્યકતીએ આસપાસના લોકોને બોલાવી લીધા હતા. ચારથી પાંચ લોકોએ ઝપાઝપી શરૂ કરી કપડા ફાડી નાંખ્યા હતા. તે સમયે પીએસઆઇની રિવોલ્વર બહાર આવી જતાં પીએસઆઇએ તેને હાથમાં લઇ લીધી હતી. જો કે ટોળકીએ રિવોલ્વર ખૂંચવાની કોશિશ કરતાં પીએસઆઇએ ચાર રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. જેમાં સિમીતના પેટમાં ૩ ગોળી વાગી હતી. ટોળા ભેગા થતાં પીએસઆઇ ચુડાસમા પોતાની બુલેટ બાઇક ત્યાં જ છોડીને ભાગી ગયા હતા.મોડી રાત્રે મકરપુરા પોલીસ સ્ટેશન પર લોકોએ હલ્લો કર્યો હતો અને પીએસઆઇને બહાર કાઢવા માંગણી કરી હતી.
કમિશનર અનુપમસિંગ ગહલૌતે જણાવ્યું કે, પીએસઆઇએ સ્વબચામાં ફાયરીંગ કર્યું હોવાનું જણાયું છે. જા કે, પીએસઆઇએ જે જવાબ રજુ કર્યો છે તે બાબતે તપાસ કરી રહ્યા છીએ. ઈજાગ્રસ્ત સિમીત પ્રજાપતિને મકરપુરા હોસ્પિટલમાં લઈ જવાયો ત્યારે ત્યાં તેના મિત્રોના ટોળાં ઉમટી પડ્યાં હતા. બીજીબાજુ, પીએસઆઇ ચુડાસમાએ ઇજાગ્રસ્ત યુવક સહિતના લોકો વિરૂધ્ધ મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમની પર હુમલો થતાં સ્વબચાવમાં ગોળીબાર કરાયો હોવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. જા કે, આ સમગ્ર ઘટનાએ આખાય વિસ્તાર અને પંથકમાં ભારે ચકચાર જગાવી હતી.