પંજાબના મંત્રી ગુરમીત સિંહ મીત હેયરે કહ્યુ કે રાજ્યમાં દિવાળીની રાતે ૮ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી માત્ર બે કલાક માટે ફટાકડા ફોડવાની મંજૂરી મળશે. મીત હેયરે કહ્યુ કે દિવાળી ઉપરાંત શ્રી ગુરુ નાનક દેવના પ્રકાશ પર્વ ૮ નવેમ્બરે સવારે ૪ વાગ્યાથી ૫ વાગ્યા સુધી એક કલાક અને રાતે ૯ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી એક કલાક માટે ફટાકડા ફોડવાની અનુમતિ મળશે.
પંજાબના મંત્રી ગુરમીત સિંહ મીત હેયરે એમ પણ કહ્યુ કે સરકાર તરફથી ૨૫-૨૬ ડિસેમ્બરના રોજ રાતે ૧૧.૫૫થી ૧૨.૩૦ સુધી, ક્રિસમસ માટે ૩૫ મિનિટ અને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ૩૧ ડિસેમ્બરથી ૧ જાન્યુઆરી સુધી રાત્રે ૧૧.૫૫ મિનિટથી ૧૨.૩૦ વાગ્યા સુધી ૩૫ મિનિટ માટે મંજૂરી આપવામાં આવી છે. પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે ફટાકડાના કડક અમલ માટે સમય મર્યાદા અંગે જિલ્લા વહીવટીતંત્રને વિગતવાર સૂચનાઓ જાહેર કરી છે. પર્યાવરણ વિજ્ઞાન અને ટેક્નોલૉજી મંત્રી ગુરમીત સિંહ મીત હેયરે જણાવ્યુ હતુ કે લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ફટાકડા ફોડવા માટે સમય મર્યાદિત કર્યો છે.