અમદાવાદ : સુરતમાં આગની ઘટના બાદ શહેરમાં અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા ફાયર સેફ્ટી અને ગેરકાયદેસર બાંધકામ મામલે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમ્યુકોની ટીમ દ્વારા આજે સતત પાંચમા દિવસે શહેરમાં આવેલી સ્કૂલો, હોસ્પિટલ ટ્યૂશન ક્લાસિસ, હોટલ્સ અને રેસ્ટોરેન્ટ્માં બનાવેલા ગેરકાયદેસર બાંધકામ અને શેડને દૂર કરવાનું કામ શરૂ કરાયું છે. આજે શહેરની હોટલ રોક રિજન્સી, શાલનિ હોસ્પિટલ સહિતના સ્થળોએ ટેરેસ પરના શેડ્સ અને ગેરકાયદે સ્ટ્રકચરને દૂર કરી ડિમોલિશની ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. અત્યારસુધીમાં શહેરમાં ૧૪૯ ગેરકાયદે બાધકામ હટાવીને કુલ ૩૫૨૯ એકમોને ફાયરસેફ્ટી મુદ્દે નોટિસ ફટકારવામાં આવી છે.
અમ્યુકો તંત્ર દ્વારા આજે મધ્ય ઝોનમાં ઓપરેશન ડિમોલીશન હેઠળ શાહીબાગની સદ્ભાવ હોટલ, કાલુપુરની ટવીલાઇટ હોટલના ટેરસ પરના શેડ્સ દૂર કરવામાં આવ્યાહ તા. જયારે ઉત્તર પશ્ચિમ ઝોનના સોલા વિસ્તારમાં આવેલ શાલીન હોસ્પિટલ, ઘાટલોડિયાના અમૃત વિદ્યાલયના ગેરકાયદે બાંધકામ પર હથોડા ઝીંકવામાં આવ્યા હતા. પૂર્વ ઝોનમાં ઓઢવ વિસ્તારની વિદ્યાનગર સ્કૂલના ગેરકાયદે બાંધકામને પણ દૂર કરવામાં આવ્યા હતા.
આ જ પ્રકારે પશ્ચિમ ઝોનના નવરંગપુરા વોર્ડમાં આવેલી રોક રિજન્સી તેમ જ હોટલ સિનેરિયોના ગેરકાયદે બાંધકામ અને શેડ્સના સ્ટ્રકચરને તોડી પાડવામાં આવ્યા હતા. રામદેવનગરના છાપરાઓમાં પણ અમ્યુકો તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરાયા હતા. જેને પગલે આ વિસ્તારોમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આગામી દિવસોમાં પણ અમ્યુકો તંત્રની ફાયરસેફ્ટી અને ડિમોલીશનની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે એમ અમ્યુકો અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું. અમ્યુકોની એસ્ટેટ વિભાગની ટીમે પોલીસ તંત્રના કર્મચારીઓને સાથે રાખીને શહેરના અન્ય વિસ્તારોમાં પણ ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરી હતી.