એસીનું ક્રોમ્પ્રેશર ફાટી જતાં આગથી એક મહિલાનું મોત

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

 

અમદાવાદ : શહેરના ગોતા નજીક જગતપુર ગામ પાસે આવેલા ગણેશ જીનેસિસ ફ્‌લેટના છઠ્ઠા માળના એક ઘરમાં એસીનું કમ્પ્રેશર ફાટવાને કારણે જબરદસ્ત આગ ફાટી નીકળી હતી અને ચોતરફ નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફલેટમાં રહેતા લોકોએ જીવ બચાવવા દોડધામ મચાવી બનતા પ્રયાસો કર્યા હતા. આગની અસર ફલેટમાં ૫, ૭ અને ૯માં માળ પર રહેતા લોકોને વધુ થઈ હતી. જો કે, પવનનું હોવાના કારણે આગ વિકરાળ બની રહી હોવાથી ફાયર બ્રિગેડના જવાનોને આગ કાબૂમાં લેવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી અને અઢી કલાકથી વધુ સમય બાદ આખરે આગ કાબૂમાં લઇ શકાિ હતી. જો કે, સમગ્ર રેસ્કયુ ઓપરેશન દરમ્યાન ૩૫થી વધુ લોકોને રેસ્કયુ કરી બચાવી લેવાયા હતા.

આગની આ દુર્ઘટનામાં અલ્કાબહેન પટેલ નામની મહિલાનું સોલા સિવિલમાં મોત થયું છે. જા કે, સાતથી વધુ ઇજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે, રેસ્ક્યુ ઓપરેશન માટે એનડીઆરએફની ટીમની મદદ પણ લેવામાં આવી હતી. આગ કાબૂમાં આવ્યા બાદ કૂલિંગની કામગીરી કરવામાં આવી હતી. એક તબક્કે ફાયરબ્રિગેડની બચાવ કામગીરી દરમ્યાન ટેકનિકલ ખામી થતા ફાયરનું સ્નોરેકલ બંધ થઈ ગયું હતું. તેનું સેન્સર લોક થઇ જતાં સ્નોરેકલ ચાલુ કરવા માટે ચાર વાર પ્રયત્નો કર્યા હોવા છતાં સ્નોરેકલ ચાલુ થયું નહોતું. સ્નોરેકલ કામ ન કરતા ફાયરની ટીમે લોકોને બચાવવાની જાળી, પાણીની પાઇપ અને દોરડા બાંધીને લોકોને જીવના જોખમે નીચે ઉતાર્યા હતા.

ફાયર દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો, ત્યારે ફ્‌લેટમાંથી કોઈએ ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરી દેતા પાણી બંધ થઈ જવાને કારણે કામગીરીમાં અડચણ આવી હતી. જેથી ફાયર વિભાગે તેના પાણીના ટેન્કરમાંથી પાણીનો મારો શરૂ કર્યો હતો. આ ફ્‌લેટમાં હાજર ઉત્તમ પંચાલ નામના સ્થાનિકના જણાવ્યા મુજબ, ફલેટના ૧૧માં માળે ઓફિસ જવા માટે મેં જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે પેસેજમાં ખૂબ જ ધુમાડો હતો. જેથી મેં દરવાજો બંધ કરી દીધો. ત્યારબાદ સાતથી આઠ લોકો ઘરમાં હાજર હતા. ઘરની ચાદરો બાંધી અને ૧૧માં માળેથી ટોઈલેટના ડકમાંથી વિન્ડોમાંથી ઉપરના માળે લઈ ગયા અને ત્યારબાદ ટેરેસ પર પહોંચ્યા. હેલિકોપ્ટરની પણ માંગ કરી હતી અને ફોન કર્યો હતો પણ મદદ મળી નહોતી. ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તુરે જણાવ્યું હતું કે, નવમા માળે બે લોકો ફસાયા હતા. આ બન્ને લોકો ઓવર વેઇટ હોવાથી તેમને આગ પર કાબૂ મેળવ્યા બાદ નીચે ઉતારવામાં આવ્યા હતા. આગ લાગતા ૧૦ ફાયર બ્રિગેડની ગાડીઓ અને સ્નોરકલ ઘટના સ્થળે પહોંચ્યા હતા. એક ઈજાગ્રસ્ત યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો. આ યુવકની હાલત ગંભીર હોવાથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જ્યારે ત્રણ લોકો સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ આગને પગલે તેમજ ચીફ ફાયર ઓફિસર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બચાવ કામગીરી દરમિયાન ફ્‌લેટના રહીશોએ ફાયર કર્મીઓ સાથે મારામારી કરી હતી અને પોલીસ રહીશોની ભીડને કાબુમાં કરી શકતી નહોતી. જેને પગલે રેસ્કયુ કામગીરીમાં અડચણ ઉભી થઈ હતી. બિલ્ડર દ્વારા કન્સ્ટ્રકશનમાં નિયમ વિરૂધ્ધ ફેરફાર કરાયો હતો. જેમાં બે બ્લોક ભેગા કરીને મોટો ફ્‌લેટ બનાવ્યો હતો. રસોડામાંથી આગ ડ્રોઈંગ રૂમ અને બીજા રૂમમાં ફેલાતા ફર્નિચર બળવા લાગ્યું હતું. જેને પગલે આગ વધુ વિકરાળ બની હતી.

 

 

Share This Article