અમદાવાદ : બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના સુપ્રસિધ્ધ અંબાજીના જંગલોમાં આજે ભારે ગરમીના કારણે અચાનક જોરદાર આગ ફાટી નીકળી હતી. આગની જવાળાઓ ધીરેધીરે જંગલ વિસ્તારમાં પ્રસરતી જતી હતી પરંતુ સ્થાનિક વનવિભાગ અને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયરબ્રિગેડના જવાનોએ સમયસર આગને કાબૂમાં લઇ લીધી હતી. જો કે, અંબાજીના જંગલોમાં લાગેલી આગમાં વન્ય જીવસૃષ્ટિના નાના જીવો પણ ભોગ બન્યા હતો અને ઘાસ, વૃક્ષો અને અન્ય વનસ્પતિ પણ બળીને ખાખ થઇ ગઇ હતી. અંબાજીના જંગલોમાં લાગેલી વિકરાળ આગને લઇ સમગ્ર પંથકમાં પણ ભારે ચકચાર મચી ગઇ હતી. જો કે, આ આગ ગરમીના કારણે લાગી હોવાનું મનાઇ રહ્યું છે.
આગની જવાળાઓએ જંગલ વિસ્તારના ઘણા વિસ્તારને લપેટમાં લઇ લીધુ હતુ પરંતુ સ્થાનિક લોકોએ ફાયરબ્રિગેડ અને વનવિભાગને જાણ કરવામાં આવતાં તેમની ટીમ તાત્કાલિક ત્યાં દોડી આવી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ સતત પાણીનો મારો ચલાવી સમયસર આગ કાબૂમાં લઇ લીધી હતી અને જંગલ વિસ્તારમાં વધુ પ્રસરતા અટકાવી દીધી હતી.
જો કે, ફાયરબ્રિગેડને આગ બુઝાવવામાં ભારે જહેમત કરવી પડી હતી. જો કે, આગની ઘટનાને ગંભીરતાથી લઇ સ્થાનિક વનવિભાગને તકેદારી રાખવા તંત્ર દ્વારા કડક તાકીદ કરાઇ હતી.