અમદાવાદમાં એપાર્ટમેન્ટમાં લાગી ભયંકર આગ, જીવ બચાવવા સ્થાનીકોએ જાનની બાજી લગાવી

Rudra
By Rudra 2 Min Read

અમદાવાદ : અમદાવાદના ખોખરામાં આવેલા પરિષ્કર એપાર્ટમેન્ટમાં આગ લાગી છે. આ આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દેખાઇ રહ્યા હતા. પરિષ્કર એપાર્ટમેન્ટના ચોથા માળે આ આગનો બનાવ બન્યો હતો. જેમાં રહિશોના જીવ મુસિબતમાં ફસાયા હતા. આગ પર કાબુ મેળવવા માટે મોટી સંખ્યામાં ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બિગ્રેડના કર્મચારીઓની સાથે રહિશોએ લોકોના જીવ બચાવવામાં મદદ કરી હતી. આ સમયે મહિલાનું દિલ ધડક રેસ્ક્યુ જોવા મળ્યુ હતુ. તો સાથે જ નાના-નાના ભૂલકાઓ પણ ભારે જહેમત બાદ બચાવાયા હતા. કાળા ડિબાંગ ધુમાડાની વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન કરવુ એ ખરેખર મુસીબત પેદા કરે એવુ હતુ.

આ ઘટના બાબતે ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અમદાવાદના ખોખરા વિસ્તારમાં આગના બનાવને લઈને ફાયર બ્રિગેડની પાંચ ગાડી તાત્કાલિક સ્થળ પર મોકલી દેવામાં આવી હતી. આગની ઘટનામાં રહેવાસીઓમાં ગભરાટની સ્થિતિ ઊભી થઈ હતી, આ દરમિયાન ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.

ડિવિઝનલ ફાયર ઓફિસરે ગુજરાત સમાચાર ડિજિટલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ‘આગની ઘટનામાં કુલ ૧૮ લોકોને ફાયરની ટીમ દ્વારા બચાવી લેવાયા હતા. આગ હવે કાબૂમાં છે અને કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.‘ આગામી દિવસોમાં ફાયર વિભાગ એપાર્ટમેન્ટમાં ફાયર સુરક્ષાને લઈને ઓડિટ કરે તેવી શક્યતા છે.

Share This Article