સુરતમાં એકાઉન્ટન્ટ યુવકની આંગળીઓ કપાઈ જવાની ઘટના બની છે. જેને પગલે અમરોલી પોલીસ યુવકની આંગળીઓ શોધવા ધંધે લાગી ગઈ છે.
વેડ રોડ-ડભોલીના યુવક સાથે આ વિચિત્ર ઘટના બની હતી. યુવકને ચક્કર આવી ગયા હતા. બાદમાં તે બેભાન થઈ ગયો હતો. 15 મિનીટ પછી તે ભાનમાં આવ્યો હતો. ભાનમાં આવ્યા બાદ તેણે જોયું તો તેની આંગળીઓ કપાઈ ગયેલી જોવા મળી હતી. તેના ડાબા હાથની ચાર આંગળીઓ કપાઈ ગઈ હતી. આ દ્રશ્ય જોઈને યુવક ગભરાઈ ગયો હતો અને આ ઘટના કેવી રીતે બની તે સમજી શક્યો ન હતો. જેને પગલે મયુર તારાપરા નામના આ યુવકે પોલીસમાં અરજી આપી હતી. યુવક મયુર મૂળ વઢવાણ તાલુકાના ખારવા ગામનો વતની છે. ગત રાત્રે સુરતના વરિયાવ બ્રિજ પાસે તેણે બાઈક ઉભી રાખી હતી. બાદમાં તે લઘુશંકા કરવા ગયો હતો અને અચાનક બેભાન થઈ ગયો હતો. મયુર જેમ્સ નામના કારખાનામાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે.