મુંબઈ : રણદીપ હુડ્ડાની ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ ઓસ્કાર સુધી પહોંચી ગઈ છે. ફિલ્મના નિર્માતા સંદીપ સિંહે જાહેરાત કરી છે કે ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ને સત્તાવાર રીતે ઓસ્કાર માટે મોકલવામાં આવી છે. વિનાયક દામોદર સાવરકરની આ બાયોપિક ૨૨ માર્ચ ૨૦૨૪ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. મેકર્સે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા આની જાહેરાત કરી છે.
સંદીપ સિંહે નિર્માતાઓ સાથે સહયોગ પોસ્ટમાં લખ્યું, “સન્માનિત અને નમ્ર! અમારી ફિલ્મ સ્વાતંત્ર્ય વીર સાવરકરને સત્તાવાર રીતે ઓસ્કાર માટે મોકલવામાં આવી છે. આ પ્રશંસા માટે ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાનો ખૂબ ખૂબ આભાર. આ પ્રવાસ ખૂબ જ અદ્ભુત રહ્યો છે, જે લોકોએ અમને ટેકો આપ્યો અમે તેમના આભારી છીએ.” સંદીપ સિંહે જે રીતે ઓસ્કાર સબમિશન વિશે માહિતી આપી છે, તેનાથી ઘણા લોકો એવું અનુભવી રહ્યા છે કે સ્વતંત્ર વીર સાવરકરને ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા મોકલવામાં આવ્યા છે. જાેકે, ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ આ બાબતે કોઈ માહિતી આપી નથી. સોમવારે, ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ જાહેરાત કરી હતી કે ૨૯ ફિલ્મોની યાદીમાંથી, તેઓએ કિરણ રાવની ફિલ્મ લપતા લેડીઝને ઓસ્કારમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે મોકલવાનો ર્નિણય કર્યો છે.