રાંચીના રહેવાસીએ ફિલ્મના પ્રોડ્યુસર કરણ જોહર અને વાયોકોમ ૧૮ સામે કોપીરાઈટ ભંગનો કેસ કર્યો છે. તેનું કહેવું છે કે, આ ફિલ્મની સ્ટોરીનું કન્ટેન્ટ તેની સ્ટોરીમાંથી ચોરવામાં આવ્યું છે અને તેના જ આઈડિયા પર ફિલ્મ તૈયાર કરવામાં આવી છે પરંતુ તેને કોઈ પૈસા મળ્યા નથી અને ક્રેડિટ પણ મળી નથી. આ સાથે જ, તેણે રૂપિયા ૧.૫ કરોડ રેમ્યુનરેશન પેટે માંગ્યા છે. રાંચી કોર્ટમાં કરવામાં આવેલી અરજી મુજબ, આ વિવાદિત પરિસ્થિતિમાં રાંચી કોર્ટે ફિલ્મની રિલીઝ પહેલા કોર્ટમાં ફિલ્મ સ્ક્રીનિંગ કરવાનું નક્કી કર્યું છે. ફિલ્મ જોયા બાદ જજ આ કેસમાં ચુકાદો આપશે તેવી શક્યતા છે. ફિલ્મ ઈન્સ્ટ્રીમાં આવા કેસ અનેકવાર સામે આવે છે. જેમાં નાના અને નવા રાઈટર્સની સ્ટોરી અને કોન્સેપ્ટ પર મોટા પ્રોડક્શન હાઉસ ફિલ્મ બનાવી દે છે અને આ કારણે તેઓને ક્રેડિટ કે પૈસા પણ મળતા નથી અને તેઓ કફોડી પરિસ્થિતિમાં મૂકાઈ જાય છે. અગાઉ રિતિક રોશનની ફિલ્મ ક્રિશ પણ આવા જ વિવાદમાં ફસાઈ હતી.
બોલિવૂડ પ્રોડક્શન્સ હાઉસ સામે ફક્ત ફિલ્મની સ્ટોરી કોપી કરવાનો નહિ પરંતુ હોલિવૂડ અને બીજી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પોસ્ટર પણ કોપી કરવાનો આરોપ લાગી ચૂક્યો છે. આ કેસમાં હવે, ટૂંક સમયમાં જ ‘જુગ જુગ જીયો’ ના કોર્ટ સ્ક્રીનિંગ બાદ ખબર પડશે કે, સાચું શું છે ?આગામી શુક્રવારે રિલીઝ થઈ રહેલી કરણ જોહર પ્રોડક્શનની ફિલ્મ ‘જુગ જુગ જીયો’ રિલીઝ પહેલા જ વિવાદમાં સપડાઈ છે. અગાઉ, પાકિસ્તાની સિંગરે આરોપ લગાવ્યો હતો કે, ફિલ્મનું સોન્ગ ‘નાચ પંજાબણ’ તેનું ક્રિએશન છે અને તેની પરમિશન વગર તેનો ફિલ્મમાં ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેણે કરણ જોહરની સાથે ફિલ્મના મ્યુઝિક બેનર ટી-સિરીઝને પણ કોપીરાઈટના ભંગ અંગેની નોટિસ આપવાની ધમકી આપી હતી. આ બાદ, ફિલ્મની સ્ટોરીને લઈને વિવાદ જાગ્યો છે. રાંચીના વિશાલ સિંહ નામના વ્યક્તિએ આરોપ લગાવ્યો છે કે, ફિલ્મમાં તેની સ્ટોરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ માટે તેને ક્રેડિટ અને પૈસા મળવા જોઈએ.