શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલી ફાઇનાન્સરની ઓફિસમાં તસ્કરો ત્રાટકી ભારતીય ચલણ અને વિદેશી ચલણ ભરેલી આખી સેફ(તિજોરી)ઉપાડી ફરાર થઇ ગયા હોવાનો બનાવ સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં ફાઇનાન્સરે એલિસબ્રીજ પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર ઘટના અંગે જરૂરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે ખાસ તો, સીસીટીવી ફુટેજના આધારે પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગેની વિગત એવી છે કે, શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલી તપોવન સોસાયટીમાં રહેતા જિજ્ઞેશભાઈ શાહ શ્યામલ કોમ્પ્લેક્સમાં અંબુજા ક્રેડિટ અને લીઝ નામથી ફાઇનાન્સની ઓફિસ ધરાવે છે.
બે દિવસ પહેલાં જિજ્ઞેશભાઈની ઓફિસ બંધ હતી. બીજા દિવસે સવારે તેમની ઓફિસમાં કામ કરતા ધીરેનભાઈએ ફોન કરી જિજ્ઞેશભાઈને જાણ કરી હતી કે ઓફિસનો મુખ્ય દરવાજો ખુલ્લો છે અને ચોરી થઇ હોવાનું જણાય છે, જેથી જિજ્ઞેશભાઈ તેમના ભાઈ સાથે તાત્કાલિક ઓફિસ પર પહોંચી ગયા હતા. અંદર જઈ તપાસ કરતાં જુદી જુદી કેબિનમાં બનાવેલ લાકડાનાં કબાટના ડ્રોઅર ખુલ્લાં હતાં. ઓફિસની મુખ્ય કેબિનમાં તપાસ કરતાં એક લોખંડ-પતરાની તિજોરી ગાયબ હતી.
આ તિજોરીમાં ભારતીય ચલણમાં રૂ. ર.૩૦ લાખ, ૪ર૮૦ અમેરિકન ડોલર, ૧ર૦૦ બ્રિટિશ પાઉન્ડ, ૪૭૪૦ કેનેડિયન ચલણ, ૭૦૦ આૅસ્ટ્રેલિયન ડોલર, ર૦ર મલેશિયન કરન્સી, ૧૦પ૦૦ રૂખલ, ૧ કુવૈત અને કતારનું ચલણ, રપ૭૦ સાઉથ આફ્રિકન ચલણ, ર૬૦૦ મોરેશિયશ ચલણ, ૧૯ ચાઈનીઝ ચલણ અને ર૪ સિંગાપોર ચલણ મળી કુલ ભારતીય ચલણ મુજબ ૧૦ લાખની કિંમતની મતા હતી. ઓફિસમાં લાગેલા સીસીટીવી ફૂટેજ જોતાં રાતે ૯.૩૦થી ૧૦.૦૦ વાગ્યાની વચ્ચે મોઢે રૂમાલ બાંધેલા બે શખ્સોએ ઓફિસમાં ઘૂસી અને ચોરી કરતા નજરે પડ્યા હતા. એલિસબ્રિજ પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. જા કે, બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી, ખાસ કરીને સ્થાનિક રહીશોમાં ભારે ચર્ચા ચાલી હતી.