નવી દિલ્હી : લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની સાથે જ પાર્ટીઓ પોતાની રણનીતિને લઇને સક્રિય થઇ ગઇ છે. ભાજપે ચૂંટણી પંચમાં જઇને બંગાળમાં થનારી હિંસાને ધ્યાનમાં લઇને બંગાળને અતિસંવેદનશીલ જાહેર કરવાની માંગ કરી છે. સાથે સાથે રાહુલ ગાંધીના અમદાવાદ પ્રવાસમાં આપવામાં આવેલા ભાષણમાં મોદીના સંદર્ભમાં કરવામાં આવેલી ટિપ્પણીને લઇને પણ ફરિયાદ કરી છે. કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદની સાથે કેટલાક મોટા નેતાઓએ ચૂંટણી પંચમાં જઇને ચૂંટણી પંચ સમક્ષ આ અંગેની ફરિયાદ કરી હતી. ચૂંટણી પંચથી બહાર આવ્યા બાદ રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, બંગાળમાં ચૂંટણી દરમિયાન થનારી હિંસાના કારણે ઘણા લોકો પ્રભાવિત થયા છે.
બંગાળમાં થઇ રહેલી હિંસાની આશંકાને ધ્યાનમાં લઇને અમે ચૂંટણી પંચથી સમગ્ર બંગાળને અતિસંવેદનશીલ ક્ષેત્ર જાહેર કરવાની માંગ કરી રહ્યા છે. તમામ બૂથ કેન્દ્રો ઉપર કેન્દ્રીય સુરક્ષા દળ તૈનાત કરવાની માંગ કરવામાં આવી ચુકી છે. બંગાળમાં ચૂંટણી દરમિયાન મિડિયા ઉપર પણ પ્રતિબંધ બિનઘોષિત છે.
મિડિયાને પ્રવેશ મળે તેવી માંગ પણ કરવામાં આવી છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી મંગળવારના દિવસે અમદાવાદ રેલીમાં વડાપ્રધાનના સંદર્ભમાં કહ્યું હતું કે, વડાપ્રધાને રાફેલ ડિલમાં પૈસા અનિલ અંબાણીના ખિસ્સામાં નાંખી દીધા હતા. આ નિવેદન અંગેની ફરિયાદ ભાજપે ચૂંટણી પંચ સમક્ષ કરી દીધી છે. કેન્દ્રીયમંત્રીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રીના સંદર્ભમાં કહ્યું હતું કે, આટલા પૈસા તેમના ખિસ્સામાં મુકી દીધા હતા. અમે આવા નિવેદનની ફરિયાદ કરીએ છીએ. ચૂંટણી પંચ દ્વારા આગામી દિવસોમાં આની નોંધ લેવામાં આવે તેવી શક્યતા છે. લોકસભાની ચૂંટણી માટે કાર્યક્રમ જાહેર થયા બાદ આક્ષેપ પ્રતિઆક્ષેપોનો દોર જારદારરીતે ચાલી રહ્યો છે.