નવી દિલ્હી: કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ગુડ્ઝનું નિર્માણ કરનાર કંપનીઓએ એવો નિર્ણય કર્યો છે કે, કસ્ટમ ડ્યુટીમાં હાલમાં વધારો કરવામાં આવ્યો હોવા છતાં તહેવારની સિઝનમાં આ કંપનીઓ પોતાની પ્રોડક્ટની કિંમતમાં કોઇ વધારો કરશે નહીં. કંપનીઓની આ જાહેરાતથી સામાન્ય લોકોને રાહતનું મોજુ ફરી વળ્યું છે. કંપનીઓની આ જાહેરાતથી સ્પષ્ટ થઇ ગયું છે કે, ટીવી, ફ્રિજ, એસી, વોશિંગ મશીન જેવી સ્થાનિક ચીજોની કિંમતોમાં હાલમાં કોઇ વધારો કરવામાં આવનાર નથી.
તહેવારની સિઝનમાં પોતાના વેચાણમાં ૧૦ ટકાનો વધારો થવાનાની આશા કંપનીઓને દેખાઈ રહી છે. આ કંપનીએ નિર્ણય કર્યો છે કે, તેઓ કસ્ટમ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો હોવા છતાં આ વધારાનો બોજ ગ્રાહકો ઉપર ઝીંકશે નહીં. વધારાનો બોજ કંપનીઓ પોતે ઉપાડશે. ડોલર સામે રૂપિયામાં અવમૂલ્યન અને ક્રૂડની કિંમતમાં વધારાના પરિણામ સ્વરુપે કંપનીઓની હાલત કફોડી બનેલી છે, છતાં પેનાસોનિક, ગોદરેજ, બીએસએચ હાઉસહોલ્ડ જેવી મહાકાય કંપનીઓએ આ તહેવારની સિઝનમાં પોતાની ગતિને જાળવી રાખવા માટે કિંમતોમાં વધારો નહીં કરવાનો નિર્ણય કર્યો છે. તહેવારની સિઝનની શરૂઆત ઓણમથી થાય છે અને દુર્ગાપૂજા તથા દિવાળી સુધી તહેવારની સિઝન ચાલશે.
કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ગુડ્ઝ કંપનીઓના વાર્ષિક વેચાણમાં આશરે ૨૫ ટકા વેચાણનો આંકડો તહેવારની સિઝનમાં જાવા મળે છે. આ વર્ષે દક્ષિણી રાજ્યોમાં કેરળમાં પુરના પરિણામ સ્વરુપે વેચાણ ઉપર અસર થશે. આયાત કરવામાં આવતા એસી, ફ્રીજ, વોશિંગ મશીન ઉપર આયાત ડ્યુટી ૧૦ ટકાથી વધારીને ૨૦ ટકા કરી દીધી હતી. સાથે સાથે કમ્પ્રેશર ઉપર પણ કસ્ટમ ડ્યુટી વધારી દેવામાં આવી હતી. આનાથી બજારની ધારણા ઉપર અસર થઇ છે.
પેનાસોનિક ઇન્ડિયાના કારોબારી અધિકારી મનિષ શર્માએ કહ્યું છે કે, કમ્પ્રેશરની કિંમતોમાં વધારાથી એસી અને ફ્રીજની કિંમતમાં ચોક્કસપણે અસર થશે. આગામી તહેવારની સિઝનમાં અમે આ વધારાનો બોજ અમે પોતે ઉપાડવા ઇચ્છુક છીએ. જો કે, તહેવારની સિઝન બાદ કિંમતોમાં સુધારા કરવા ઉપર વિચારણા કરવામાં આવશે.
ગોદરેજના કારોબારી પ્રમુખ કમલ નંદીનું કહેવું છે કે, ઉદ્યોગના સ્તર ઉપર મોટાભાગના સ્પેરપાટ્ર્સ તથા તૈયાર કરવામાં આવતી ચીજવસ્તુઓની આયાત પહેલાથી જ કરવામાં આવી ચુકી છે. આવી સ્થિતિમાં હાલના સમયમાં વધારો થવાની શક્યતા દેખા રહી નથી. જો અસર થશે તો પણ મેન્યુફેક્ચર્સ કિંમતમાં હાલ કોઇ વધારો કરશે નહીં. કિંમતોમાં વધારો આયાત કરવામાં આવતી ચીજવસ્તુઓના આગામી રાઉન્ડ વખતે કરવામાં આવશે. તહેવારની સિઝનમાં માર્કેટિંગ અભિયાન ઉપર જંગી ધ્યાન કંપનીઓ કરી રહી છે.