અમદાવાદ : પ્રતિકલાક ૧૭૫ કિલોમીટરની ઝડપે ફેની વાવાઝોડું આગળ વધી રહ્યું છે, જેની દહેશતના પગલે અમદાવાદ રેલવે વિભાગે પુરીથી અમદાવાદ અને અમદાવાદથી પુરી જતી ટ્રેન રદ કરવાનો નિર્ણય લીધો છે. હવામાન વિભાગે ફેની વાવાઝોડું ઓરિસ્સામાં ત્રાટકે તેવી આગાહી કરી છે. જેના પગલે રેલવે વિભાગે ૧લી મેએ ઓરિસ્સાની ટ્રેન રદ કરી હતી. જો કે આજે પણ પુરીથી આવતી ટ્રેન રદ કરી છે. મુસાફરોની સુરક્ષાને લઈ રેલવે વિભાગ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આજે ફેની તોફાન ભયંકર સ્વરૂપ ધારણ કરીને પુરીના તટ વિસ્તારમાં ટકરાયું છે.
જેના પગલે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ફેની તોફાનના કારણે એ બાજુના સમગ્ર વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. લોકોની સુરક્ષા વ્યવસ્થા અને વાવાઝોડાની દહેશતને ધ્યાને લઈને અમદાવાદ સહિત ગુજરાતમાંથી ઉપડતી પુરી તરફ જતી ટ્રેન રદ કરી દેવાઈ છે. જેના કારણે કાલુપુર રેલવે સ્ટેશન પર સેંકડો મુસાફરો અટવાયા હતા અમદાવાદથી પુરી જતી ટ્રેન આજે રદ કરવામાં આવી છે. એટલું જ નહીં આગામી તા.૭ મે સુધી હાઈ એલર્ટના પગલે પુરી સુધી જતી અને અમદાવાદ કે ગુજરાતથી ઉપડતી તમામ ટ્રેનો રદ કરવામાં આવી છે. છેક પુરી સુધી ન જવા માગતા અને વચ્ચેનાં સ્ટેશન સુધી મુસાફરી માટે ટિકિટ બુક કરાવનારા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ટ્રેનો રદ થવાના પગલે રઝળી ગયેલા મુસાફરોએ રિફંડ મેળવવા લાઈનો લગાવી હતી. રેલવે સ્ટેશન પર રિફંડ માટે મુસાફરોની ભારે ભીડને લઈને સ્પેશિયલ કાઉન્ટર ખોલવામાં આવ્યાં છે. તા.૧લી મેના રોજ વાવાઝોડાની આગાહીના પગલે ગાંધીધામ પુરી ટ્રેન રદ કરાઈ હતી. વેકેશનના સમયે ટ્રેન રદ થતા પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડશે.
તો, રેલવે તંત્ર દ્વારા ઓડિશાથી આવતી હજુ વધુ ચાર ટ્રેન રદ કરવા માટેની જાહેરાત કરાઈ છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખીને ઓડિશા તરફ જતી તમામ રર૩ જેટલી ટ્રેન પણ રદ કરી દેવામાં આવી છે. જ્યારે બીજી તરફ સાવચેતીનાં પગલાંને લઇને કોલકાતા અને ભુવનેશ્વર સહિત વિશાખાપટ્ટનમ એમ ત્રણ એરપોર્ટ બંધ કરી દેવાયાં છે. બીજીબાજુ, અમદાવાદ એરપોર્ટથી ઉપડતી ચેન્નઈની ફલાઇટ મોડી છે. વાવાઝોડાના કારણે વીજળી ગુલ થવાના પણ બનાવો સામે આવ્યા છે. વાવાઝોડના કારણે મોબાઈલ નેટવર્ક પણ ખોરવાયું છે. રાજ્ય સરકારે પણ ગઈકાલ સાંજ સુધીમાં દરિયાકિનારાના જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા ૧૧ લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડયા હતા. રાજ્યનાં બાવન શહેરો અને દસ હજાર ગામડાંઓને વાવાઝોડાને પગલે અસર હોવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.