બેંગલુરુ એરપોર્ટ પર મહિલા સંગીતકાર સાથે અપમાનજનક વર્તન થયું છે. મહિલાએ એરપોર્ટ પર સુરક્ષા તપાસના નામે કપડાં કઢાવવામાં આવ્યા હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ બેંગલુરુ એરપોર્ટના અધિકારીઓએ આ ઘટના અંગે દિલગીરી વ્યક્ત કરી છે અને આ બાબતે ઓપરેશન અને સિક્યોરિટી ટીમોને જાણ કરવામાં આવી હોવાનું કહ્યું છે. ક્રિશાની ગઢવી નામની મહિલા સાથે એરપોર્ટ પર અસભ્ય વર્તન થયું છે. તેમના ટિ્વટર બાયો મુજબ, તેઓ પરફોર્મિંગ સંગીતકાર છે. તેમણે ગઈકાલે સાંજે ટ્વીટ કર્યું હતું કે, સુરક્ષા તપાસ દરમિયાન મને બેંગલુરુ એરપોર્ટ પર મારું શર્ટ ઉતારવાનું કહેવામાં આવ્યું હતું.
સુરક્ષા ચોકી પર કેમિસોલમાં ઉભા રહેવું ખૂબ જ અપમાનજનક છે અને આવું અટેંશન કોઈપણ મહિલા નહીં ઈચ્છે. @BLRAirport મહિલાને કપડાં કઢાવવાની શું જરૂર છે?” જોકે, આ પોસ્ટ હવે ડિલીટ કરી દેવામાં આવી છે. બેંગલુરુ એરપોર્ટના સત્તાવાર ટિ્વટર હેન્ડલે જવાબમાં કહ્યું હતું કે “આવું ન થવું જોઈએ” અને મહિલા મુસાફરને વિનંતી કરી છે કે તે તેની કોન્ટેક્ટની વિગતો શેર કરે, જેથી તેઓ તેનો સંપર્ક કરી શકે. વધુમાં કહ્યું છે કે, તકલીફ બદલ અમને ખૂબ જ અફસોસ છે અને આવું ન થવું જોઈએ. અમે અમારી ઓપરેશન ટીમને આ વાત પર પ્રકાશ પાડ્યો છે અને તેને સીઆઈએસએફ (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ)ને પણ આ વાત અંગે જાણ કરી છે. એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમિયાનની સમસ્યાઓ ચર્ચાનો વિષય બની છે.
કોવિડ મહામારીના બે વર્ષ પછી મુસાફરી પરના પ્રતિબંધો હટાવવામાં આવ્યા બાદ એરપોર્ટ પર ભારે ધસારો જોવા મળે છે. ગત મહિને જ દિલ્હી અને બેંગલુરુ એરપોર્ટ પર અફરાતફરીના દ્રશ્યો અને લાંબી કતારો જોવા મળી હતી. મુસાફરોએ ઇમિગ્રેશન કાઉન્ટર્સ પર મોડું થતું હોવાની અને સુરક્ષા તપાસ દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદ કરી હતી. આ બાબતે બેંગલુરુ એરપોર્ટના સૂત્રએ એનડીટીવીને જણાવ્યું હતું કે, એરપોર્ટ પર CISFનો સ્ટાફ ઓછો છે. બેંગલુરુ એરપોર્ટનું તેના પર કોઈ નિયંત્રણ નથી. CISFને આ સંચાલન સારી રીતે કરવું જોઈએ. અમે ટેકો આપી રહ્યા છીએ. અમુક હદ સુધી જ સપોર્ટ આપી શકાય છે. CISFનો સ્ટાફ ઓછો છે અને ઇમિગ્રેશનનું સંચાલન કેન્દ્રીય અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. આ સ્થિતિ અંગે એવિએશન સિક્યોરિટી વોચડોગ બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટીએ કહ્યું છે કે, નવા સ્કેનર મળી રહ્યા છે અને મુસાફરોને લગેજ સ્ક્રીનિંગ માટે હવે લેપટોપ, ફોન અને ચાર્જર હટાવવાની જરૂર રહેશે નહીં. જેના પરિણામે ઝડપથી સુરક્ષા તપાસ સુનિશ્ચિત થશે અને વ્યસ્ત એરપોર્ટની ભીડ ઓછી થશે.