લાગણીઓના સૂર…
જો એકલતામાં પહેલી નજરનો પ્રેમ યાદ આવે તો સ્વીકારી લેવું કે એ પ્રેમ અપૂર્ણ જ હશે…
બહુ સાંભળ્યું છે આ પહેલી નજરના પ્રેમ વિશે.. શું હોય છે આ પહેલી નજરનો પ્રેમ… પ્રશ્ન દરેકના મનમાં છે, જવાબ કોઈની પાસે નહિ કારણ કે પ્રેમનું કોઈ અસ્તિત્વ જ નથી. એ ફક્ત એક લાગણી છે કે જે લાંબા કે ટૂંકા ગાળા માટે કોઈ એક વ્યક્તિને બીજા વ્યક્તિ સાથે બાંધી રાખનાર પરિબળ બને છે. આ સમયગાળા દરમ્યાન વ્યક્તિના મનમાં બીજી ઘણી બધી ભાવનાઓનો પ્રાદુર્ભાવ થાય છે જેમકે, આકર્ષણ, આસક્તિ, સંગમ અને વિરહ. જેમ જેમ સમય આવશે એમ એમ આ ભાવનાઓ જન્મ લેશે અને જેમ સમય પસાર થશે એમ એમ મૃત્યુ પામશે. આ ચક્ર ચાલ્યા જ કરે છે. કોઈ એક વ્યક્તિ જીવનમાં આવે છે, ચાલ્યુ જાય છે અને ફરી કોઈ આવી જાય છે, જેને જોઈને એમ અનુભવાય છે કે આ વ્યક્તિ પહેલા પાત્ર કરતાં સારી છે.
આ ચક્ર ચાલ્યા કરે છે એ બાબતમાં સંશયને કોઈ જ સ્થાન નથી પણ જ્યારે આ પહેલી વ્યક્તિ સાથે જોડાયેલી પળો હ્રદયના કોઈ એકાંત ખૂણે ભરાઈ જાય ને ત્યારે નવી વ્યક્તિના આગમન થવા છતાં જીવનમાં એક પરોક્ષ એકલતા સ્થાન લઈ લે છે. હવે એનું કારણ શું એ સમજીએ. હકીકતમાં એ સમજતા પહેલાં પ્રેમ શું, પહેલી નજરનો પ્રેમ શું છે અને સાચો પ્રેમ શું છે એનો તફાવત સમજી લઈએ.
એક રીતે પ્રેમની કોઈ વ્યાખ્યા નથી. એ એક એવી અદ્રશ્ય લાગણી છે કે જે એક વાર તમારા મનમાં જન્મી લે પછી તમે તમારા મન પર કાબૂ રાખી શકતા નથી. વશીભૂત થઈ જાય છે બધા એ અસર હેઠળ. એકલા બેઠા બેઠા મોઢા પર સ્મિત રેલાઈ જવું, કોઈ પ્રવૃત્તિમાં કાર્યરત હોવા છતાં એમાં ધ્યાન ન હોવું અને હકીકત સામે હોવા છતાં એને પારખી ન શકવું એ આના મુખ્ય ત્રણ લક્ષણો છે. (આ પૈકી ત્રીજું લક્ષણ લગભગ જીવલેણ બને છે.).
હવે વાત કરીએ પહેલી નજરના પ્રેમની તો એના પણ ત્રણ પ્રકાર છે. એક, આકર્ષણવાળો પ્રેમ, બીજો આસક્તિ વાળો પ્રેમ અને ત્રીજો નિસ્વાર્થ પ્રેમ. ત્રીજો પ્રકાર છે તો સાચો અને પવિત્ર પરંતુ એવો પ્રેમ થવાની શક્યતાઓ બહુ ઓછી છે અને જો થાય તો એની સંપૂર્ણતાની શક્યતા બહુ જ ઓછી છે, કારણ કે કાં તો એને સમાજ નથી સ્વીકારી શકતો કાં તો બેમાંથી કોઈ એક વ્યક્તિ એ પ્રેમની લાગણીઓને સમજવામાં સમય લગાડી દે છે. અંતે જ્યારે એ વ્યક્તિને એ લાગણીઓની અનુભૂતિ થાય ત્યાં સુધીમાં એ પ્રેમ સમયના સ્મશાનમાં વિરહરૂપી અગ્નિમાં રાખ થઈ ચૂક્યો હોય છે અને કદાચ આ રાખનું વિસર્જન કરવા ચાહોને તો પણ એની રજોટી માણસના માનસપટ પર હંમેશ માટે અંકિત થઈ જ જાય છે.
પ્રેમના ત્રણેય પ્રકારો વિશે આપણે આવતા અંકે ચર્ચા કરીશું. એ પહેલા વાત કરીએ શીર્ષક પંક્તિની. અહીં આ પંક્તિ મૂકવાનું કારણ એ કે બસ ટૂંક જ સમયમાં વરસાદની ઋતુનું આગમન થશે અને આકાશની સાથે સાથે ઘણી બધી આંખોમાંથી પણ પાણી વરસશે. ક્યાંક બૂંદ બે-ચાર, તો ક્યાંક અનહદ અનરાધાર…
એવું તો શુ હોય છે આ પહેલા વરસાદમાં કે એ જૂની યાદોને, અમુક પળોને અને પોતાની પ્રિય વ્યક્તિ સાથે વીતાવેલ યાદગાર લમ્હાઓની હારમાળા સર્જી દે છે. હકીકતમાં તો આ બધી જ ક્રિયા પ્રકૃતિ અને પ્રણયના મિલનની છે. વરસાદ તો એકમાત્ર કુદરતી ક્રિયા છે પરંતુ એ યાદગાર પળો, કે જે તમે તમારા પ્રિય વ્યક્તિ સાથે વીતાવી છે, એ પળો આ વરસાદને, વરસાદની બૂંદોને, એ કાળા ડિબાંગ વાદળોને, ભીની માટીની ખુશ્બુને અને સમગ્ર યાદોનો વરસાદ વરસી ગયા બાદ ચહેરા પર કાં તો ખુશી કાં તો આંસુની સાથે સર્જાતા મેઘધનુષ્યને જીવંત અને ખુશનુમા બનાવી દે છે. વરસાદની મોસમ વાતાવરણમાં પણ અને જીવાવરણ (જીવનમાં મનોમંથનરૂપી આવરણ) પણ સમાંતરે જ ચાલતી રહેતી હોય છે. એક બાજુ વાદળ વરસે અને બીજી બાજુ આંખો. એક બાજુ આભ ભરાય અને બીજી બાજુ હૈયું. એક તરફ જમીન મહેકે અને બીજી તરફ મન અને પછી સર્જાય છે વિચારોના વમળ અને આ વમળોમાં સૌથી વધુ આહલાદ્કતા ઉત્પન્ન કરનાર બાબત છે, વ્યક્તિનો પહેલી નજરનો પ્રેમ. આ બાબત પર એક સુંદર ગીતની પંક્તિ યાદ આવી રહી છે જેને સુપ્રસિદ્ધ ગાયક અરિજીત સિંહ, શાશા તિરૂપથી અને અભિનેત્રી શ્રદ્ધા કપૂરે અલગ અલગ વર્ઝનમાં સ્વરબદ્ધ કર્યુ છે જ્યારે સંગીતકાર મિથુન શર્માએ તેને લયબદ્ધ કર્યુ છે. મનોજ મુન્તાશિરે ગીતના શબ્દોને પોતાની કલમથી વાચા આપી છે.
યે સાથ હમેશા હોગા નહિ,
તુમ ઓર કહીં, મૈં ઓર કહીં,
લેકિન જબ બાદ કરોગે તુમ,
મૈં બનકે હવા આ જાઊંગા,
મૈં ફિર ભી તુમકો ચાહૂંગા,
મૈં ફિર ભી તુમકો ચાહૂંગા,
જરૂરી નથી કે આ પહેલી નજરનો પ્રેમ કોઈ વ્યક્તિ સાથે લાંબા સમય માટે થયો જ હોય. અમુક વાર ટૂંકી મુલાકાતો પણ જીંદગી જીવવાનું કારણ બની જતી હોય છે. આ મુલાકાત લકોઈ પ્રસંગોપાત, કોઈ મુસાફરી દરમિયાન કે શાળાના વખતની પણ હોઈ શકે છે. મહત્વની વાત એ છે કે એ મુલાકાતો વ્યક્તિને સમગ્ર જીવનભર યાદ રહી જતી હોય છે. પ્રેમમાં મળતી નિષ્ફળતા અને અપૂર્ણતા ઘણી વાર વ્યક્તિને જીવન ટૂંકાવવા સુધી મજબૂર કરી દેતી હોય છે પરંતુ મારો એક અભિપ્રાય રહેશે કે જ્યારે એમ લાગે કે હવે જીવનમાં કઈં જ રહેવા માટે કે જીવવા માટે બાકી નથી રહેતું ત્યારે બસ એક વાર આ યાદે વિશે વિચારી જોજો. ફક્ત આ નહિ… આગલા સાત જનમ સુધી મરવાનો વિચાર નહિ આવે કારણ કે જો એકલતામાં પહેલી નજરનો પ્રેમ યાદ આવે તો સ્વીકારી લેવું કે એ પ્રેમ અપૂર્ણ જ હશે અને આ અપૂર્ણતા જ વ્યક્તિના જીવનની સંપૂર્ણતાની નિશાની છે.