* લાગણીઓના સૂર – આકર્ષણ અને આસક્તિ *
આસક્તિ – હદથી વધારે માવજત માત્ર વસ્તુઓને જ નહિ, સંબંધોને પણ બગાડી નાખે છે….
“અતિની કોઈ જ ગતિ નહિ” – એમ આપણા વડીલો કહી ગયા છે. આચાર્ય ચાણક્ય પણ કહી ગયા છે કે હદથી વધારે કઈં પણ – ચાહે એ કોઈ વસ્તુ હોય, વ્યક્તિ હોય કે પછી એ વસ્તુ કે વ્યક્તિ સાથે જોડાયેલી લાગણી હોય, અંતે તો એ ઝેરનું જ કામ કરે છે.
દોસ્તો, શરૂઆતમાં જ્યારે કોઈ બે વ્યક્તિ એકબીજા સાથે જોડાય છે ત્યારે એકબીજાની કાળજી કરવી, સંભાળ લેવી એ બધી વાત બહુ સારી લાગે છે અને એક રીતે એ જરૂરી પણ છે કારણ કે આ કાળજી તો છે જે તમારા એકબીજા પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરે છે. સંબંધોના મૂળ અને એ પછી એમાંથી તૈયાર થતા લાગણીઓના વૃક્ષનું કાયમી અસ્તિત્વ ટકાવી રાખવા એમાં કાળજીરૂપી પાણી અને હૂંફરૂપી પ્રકાશ આપતા રહેવું જરૂરી છે. જો કે કોઈ પણ વૃક્ષ એક વાર વ્યવસ્થિત વિકાસ પામી જાય અથવા પામવાની શરૂઆત કરી દે એટલે એ પછી એને પૂરા પાડવામાં આવતા પાણી અને પ્રકાશની માત્રા લિમિટેડ કરી દેવી જોઈએ અન્યથા એ જ વૃક્ષ – જેને તમે લાંબા ગાળા સુધી વૃદ્ધિ પામતું જોવા માંગો છો એના મૂળિયામાં સડો લાગવાની શરૂઆત થઈ જાય છે.
ઉપર સમજાવેલી બાબત આમ તો દરેક કપલ સમજતું જ હોય છે પણ એને અમલમાં નથી મૂકી શકતું અને પછી થાય છે તેઓના સંબંધોના મૂળમાં સડો લાગવાની શરૂઆત. જો ચોખ્ખી ભાષામાં કહું તો, કોઈ પણ સંબંધની શરૂઆતમાં ચાલુ કરવામાં આવેલું “હેલો બેબી..હાય શોના… બાબુને ખાના ખાયા… બેબીને પાની પિયા… બેબી આમ… બેબી તેમ… બેબી ફલાણું… બેબી ઢીંકણું….” – ધીમે ધીમે એક ચીડમાં પરિવર્તિત થવા લાગે છે. થોડા સમય પછી આ જ બાબુ અને બેબી બાખડતા જણાઈ આવે છે. મે મારા ઘણા મિત્રોના વોટ્સએપ સ્ટેટસ દર બે કલાકે બદલાતા જોયા છે. જે ભાઈએ બે કલાક પહેલાં “દિલ દિયા ગલ્લાં” નું ગીત મૂક્યું હોય એ જ સાહેબ બે કલાક પછી “જીને ભી દે દુનિયા હમે…”ના ગાણા ગાતો જણાય. અરે પણ મારા વ્હાલા, આ દુનિયાને તુ જીવે કે મરે કે તારી બેબી કે બાબુ શુ કરે છે, શુ ખાય છે કે શુ પીવે છે એનાથી કોઈ જ નિસ્બત નથી. આસક્તિજનિત (POSSESSIVE) માણસ જે વ્યક્તિને બેબી બેબી કે બાબુ બાબુ કરીને આગળ પાછળ ફરતો હોય ને એ જ વ્યક્તિથી થોડા જ સમય પછી કંટાળતો જણાય છે. આ અકળામણ ધીમે ધીમે વાતચીત ઓછી કરાવડાવે છે અને પછી શરૂ થાય આ બાબુ ને બેબીના કકળાટ… અરે ભાઈ, પણ એવો તો કેટલો ને કેવો પ્રેમ વરસાવી દીધો કે તારું બાબુ આટલા જ સમયમાં કંટાળી ગયું.
ચાલો આ તો વાત હતી મારા જેવા યંગસ્ટર્સની જેઓની પ્રેમની બાબતમાં હજી પાશેરાની પહેલી પૂણી મૂકાય છે પણ હવે જે વાત આવે છે એ ૩૦ વર્ષથી ઉપરના દરેક કપલે સમજવા જેવી છે. કારણ એ છે કે ૨૭ વર્ષ સુધી આજકાલનું કોઈ કપલ ફેમિલી પ્લાનિંગ કરતું નથી હોતું પણ લગભગ ૩૦ વર્ષની આસપાસ હર સ્ત્રી માતૃત્વ અને હર પુરુષ પિતાનું પદ ગ્રહણ કરી ચૂક્યો હોય છે અને આ આસક્તિની શરૂઆત અસલમાં હવે થાય છે કારણ કે ત્રીજી વ્યક્તિના આગમન પછી પહેલી બે વ્યક્તિ એકબીજાથી વહેંચાઈ જાય છે. માતૃત્વ ધારણ કર્યા પછી કોઈ પણ સ્ત્રીનો મોટા ભાગનો સમય પોતાના બાળક પાછળ રોકાઈ જાય છે. દરેક પુરૂષ પિતા બનવા પાછળ ગર્વ અને ખુશી તો અનુભવતો જ હોય છે પરંતુ જ્યારે વાત પત્ની પ્રેમની આવે ત્યાં એ થોડો અકળામણ અનુભવે છે. (કડવો જામ – શક્ય છે કે અમુક સ્ત્રીઓ મારા આ વાક્ય સાથે સહમત નહિ થઈ શકે પણ સત્ય તો સત્ય જ છે – ભૂધરમલના શરબત જેવું મીઠું કહો કે પછી સોમવા-34 જેવું કડવું) કોઈ પણ પુરૂષનો પ્રેમ રિઝર્વ હોય છે – એમાં કોઈ પણ ભાગ પડાવે એ એની સહનશીલતાની બહારની વાત છે ચાહે એ એનું સંતાન હોય કે પરિવારનું અન્ય કોઈ સભ્ય. ક્યાંક ને ક્યાંક એ પોતાના મનમાં અદ્રશ્ય ઈગ્નોરન્સ અનુભવે છે અને વધુ પ્રેમ પામવાની કોશિશમાં તેની પાર્ટનર પ્રત્યેની લાગણી પલટાઈ જાય છે એની આસક્તિ એટલે કે POSSESSIVENESS માં, જે અમુક વાર અમુક સંજોગોમાં બંને પાત્રોને થોડા સમય માટે એકબીજાથી દૂર પણ કરી દે છે.
“PREVENTION is better than CURE” – આ અંગ્રેજી કહેવતને જો રિલેશનશિપના સંદર્ભમાં જોઈએ તો એનો અર્થ એવો થાય કે જ્યારે CURE હદથી વધારે વધી જાય ને ત્યારે વ્યક્તિ એવા સંબંધ માટે PREVENTION નો વિકલ્પ પસંદ કરતા વાર નથી લગાડતો. આસક્તિજનિત પ્રેમમાં પડેલ માણસે તાજેતરમાં જ રિલીઝ થયેલી મૂવી “સોનુ કે ટિટૂ કી સ્વીટી”ના આ ગીતની પંક્તિઓને સમજવા જેવી છે, જેને ગાયક અરિજીત સિંહે સ્વરબદ્ધ કર્યુ છે જ્યારે સંગીતકાર રોચક કોહલીએ તેને લયબદ્ધ કર્યુ છે. કુમાર નામના જાણીતા ગીતકારે તેને નીચેના શબ્દોથી વર્ણવ્યું છે. આ ગીત હું મારા બે ખાસ મિત્રો જેમને હું લાડથી ક્રિશુ અને મિનિયન કહીને બોલાવું છું, એમને ડેડિકેટ કરવા માંગીશ…મારી દોસ્તીની બાબતમાં એ બંને પણ બહુ POSSESSIVE છે…
જાતે નહિ કહીં રિશ્તે પુરાને…કિસી નયે કે આ જાને સે…,
જાતા હૂં મૈ તો મુજે તુ જાને દે, ક્યું પરેશાન હૈ મેરે જાને સે…,
તૂટા હૈ તો જુડા હૈ ક્યું, મેરી તરફ તુ મૂડા હૈ ક્યું…,
હક નહિ તુ યે કહે કિ યાર અબ હમ ના રહે…..
કોઈ એક નવી વ્યક્તિના આવવાથી કોઈ જૂના સંબંધો તૂટતા પણ નથી કે એનું મહત્વ પણ ઓછું નથી થતું. હા, એ વાત અલગ છે કે અમુક સમય માટે એ વાત સ્વીકારવી કઠિન થઈ પડે છે પણ દોસ્તો સમજૌતા હી જીવન હૈ ઔર જીના ઈસી કા નામ હૈ. આજ પૂરતું બસ આટલું જ…આવતા અંકે જાણીશું અમુક એવા કિસ્સા જેમાં સાચા પ્રેમને ક્યારેય ન્યાય જ ન મળ્યો….
તો મળીએ આવતાં શનિવારે… ત્યાં સુઘી વાંચતા રહે અને ઝરમર વરસાદની મઝા માણો…