લાગણીઓના સૂર – આકર્ષણ અને આસક્તિ

KhabarPatri News
By KhabarPatri News 7 Min Read

* લાગણીઓના સૂર – આકર્ષણ અને આસક્તિ *


આકર્ષણ અને આસક્તિ લાગણીઓના જ નહિ, પ્રેમસંબંધના પણ પાયા હલાવી નાખે છે….

જેમ વરસાદ પડ્યા પછી, ચારેકોર વાતાવરણમાં એક માદકતા છવાઈ જ જાય છે, એક ભીની મહેક અનુભવાય છે અને થોડા સમય પછી મારગની કોરે નાના રોપાં રોપાઈ જાય છે, બસ એ જ રીતે માણસ એક વાર પ્રેમમાં પડે એ પછી એ પછી એના હ્રદયમાં માદકતા છવાઈ જાય છે. લાગણીઓની ભીનાશ અને હૂંફને લીધે સંબંધોની પરિપૂર્ણતાના અંકુર રોપાવા માંડે છે.

બહુ ખુશનુમા હોય છે આ પળો, આ સમય જે ક્યારેક ખૂબ જ ટૂંકા ગાળા માટે સર્જાતો હોય છે. બહુ ભાગ્યવાન હોય છે એ યુગલો જેને આવી સુંદર ક્ષણોનો સાથ માણવા મળે છે પરંતુ અમુક કિસ્સાઓમાં આવા યુગલોનું જોડાણ લાંબો સમય ટકી શકતું નથી કારણ કે અંતરના ઉમળકા અને ઉત્કટ લાગણીઓના પ્રવાહમાં વ્યક્તિને ATTRACTION (આકર્ષણ) અને AFFECTION (સ્નેહ) વચ્ચેની પાતળી ભેદરેખા દ્રષ્ટિગોચર થતી જ નથી.

સમજવા જેવી વાત છે કે ધારો કે તમારી નજર સામેથી રસ્તા પર કોઈ છોકરી જઈ રહી છે, એ કાં તો તમારા એરિયામા રહે છે કાં તો તમારી સાથે ભણે છે કે તમારી સાથે કામ કરે છે. દેખાવે એ નમણી અને સુંદર વ્યવસ્થિત કદ કાઠી ધરાવતી છે. બરાબર એ જ સમયે એક બીજી છોકરી એની જ સાથે, એ જ રસ્તા પરથી તમારી નજર સામેથી પસાર થાય છે. હવે આ બંને છોકરીઓને તમારી આંખો કઈ નજરથી જુએ છે એના પરથી તમારા પ્રેમનો પ્રકાર સાબિત થાય છે. એક રીતે તો પ્રેમ એ કોઈ સાદુ રૂપ કે ગણિતનો કોયડો નથી કે જેને આપણે સાબિત કરી શકીએ પણ આડકતરી રીતે એ તમારા વ્યક્તિત્વને સાબિત કરે છે કે તમે સ્નેહાંધ છો કે મોહાંધ…. જો એ છોકરીના દેખાવને લીધે તમારી નજરમાં જરા પણ વિકૃતિનું આગમન થાય છે તો એ તમારું આકર્ષણ (ATTRACTION) અને જો બીજી છોકરીની સાદાઈ જોઈને તમારી નજરમાં પ્રેમનો અહેસાસ જાગે છે તો એ તમારો સ્નેહ(AFFECTION).

આ વાત આજના જમાનાના દરેક છોકરા છોકરીઓએ – ખાસ કરીને કોલેજમાં ભણતા સગીરોએ ખાસ સમજવા જેવી છે, જેમને નાની ઉંમરમાં પ્રેમની પાંખો ફૂટવા લાગે છે. કદાચ મારી આ વાત યુવા વર્ગને થોડી કરવી લાગશે પણ અંગત રીતે હું એનો જરા પણ વિરોધી નથી કારણ કે પ્રેમ અને આકર્ષણ કોઈને પણ ક્યારેય પણ થઈ શકે છે અને લાગણી એ એવી પવિત્ર વસ્તુ છે જેને ક્યારેય સંગ્રહિત કરી શકાતી નથી કોઈ પવિત્ર નદીના પાણીના પ્રવાહની જેમ. પણ એ પવિત્ર લાગણીઓને કોઈ પાપી સ્પર્શી ન જાય એના માટેની આ એક પૂર્વધારણા છે, જે તમામ યુવાવર્ગે પોતાના દિલ અને દિમાગમાં બાંધી લેવાની જરૂર છે.

ATTRACTION અને AFFECTION વચ્ચેની એ ભેદરેખા શા માટે સમજવી જરૂરી છે એ સમજવા માટે એક ઉદાહરણ આપુ છું. આજથી બરાબર એક વર્ષ પહેલા મારી પાસે એક વ્યકિત કાઉન્સેલિંગ માટે આવી હતી. એ એની એક મિત્ર સાથે આવેલી હતી. આવું જ વરસાદી વાતાવરણ અને આકાશની સાથે સાથે એની ઊંડી આંખો પણ રડી રહી હતી. કારણ સ્પષ્ટ હતું – બ્રેકઅપ.

ટૂંકા ગાળાના અમુક સંબંધો બહુ લાંબા ગાળાનો વિરહ આપીને જાય છે. જે વ્યક્તિ સાથે એનું મન લાગેલું હતું એનું નામ ગુજરાતના જાણીતા ગાયક કલાકારોમાં આવતું હતું. એ કલાકારનું અંગત જીવન કઈં ખાસ ન હતું. એના કહ્યા પ્રમાણે એના લગ્ન નાનપણમાં એની મરજી વિરુદ્ધ કોઈ છોકરી સાથે કરવામાં આવેલા હતા. એ પોતાની પત્નીથી અલગ રહેતો હતો અને એના આ નિર્ણયના લીધે એના ઘરવાળાઓએ પણ એનો પરિત્યાગ કરેલો હતો. સંજોગોવશાત એ છોકરીને કોઈ પ્રસંગોપાત આ વ્યક્તિને મળવાનું થયું. અમુક કે તમુક રીતે નંબરોની આપ-લે થઈ. થોડા સમય પછી મુલાકાતો પણ વધી અને એક દિવસ એ વ્યક્તિએ આ છોકરીને પ્રપોઝ કર્યું. છોકરીએ કારણ પૂછતા જવાબમાં એને એની સાદાઈ જાણવા મળી. પહેલા તો છોકરીએ ના પાડી પરંતુ ઘણાં રિસામણાં મનામણાં પછી બહેન રાજી થયા અને પ્રસ્તાવ સ્વીકાર્યો. થોડા સમય પછી એ વ્યક્તિનું સાચું રૂપ સામે આવ્યું જ્યારે એણે એ વ્યક્તિએ છોકરી સામે ગેરવ્યાજબી માંગણી રજૂ કરી. જે વ્યક્તિના પહેલા પ્રસ્તાવ પર એક છોકરીને પોતાની સાદાઈ પર ગર્વ થતો હતો એ જ વ્યક્તિના બીજા પ્રસ્તાવ બદલ એને પોતાની જાતથી ઘૃણા થવા લાગી અને એને પોતાના નિર્ણય પર પસ્તાવો થવા લાગ્યો. એણે તો છેક પોતાનું જીવન ટૂંકાવી લેવાનું વિચાર્યુ હતું પણ નસીબજોગે એમને મારી પાસે કાઉન્સેલિંગમાં આવાનું થયું. થોડીક પ્રશ્નોત્તરી પછી મેં એમને એ વ્યક્તિનું બેકગ્રાઉન્ડ તપાસ કરવા જણાવ્યું, જેની તપાસમાં એ વ્યક્તિના તમામ નકારાત્મક પાસા નજર સમક્ષ આવ્યા. ATTRACTION અને AFFECTION વચ્ચેના જે સૂક્ષ્મ તફાવતને અમે ભેદરેખા સમજી રહ્યાં હતા એ તો કોઈના ગળા માટે તૈયાર થયેલો ફાંસીનો ગાળિયો હતો. એ બહેન સંપૂર્ણ રીતે આઘાતને લીધે તૂટી ચૂક્યા હતા પણ ધીમે ધીમે મોટિવેશન અને જીંદગી તરફના હકારાત્મક અભિગમે એમને નિરાશાની ગર્તામાંથી બહાર કાઢ્યા અને હાલની તારીખમાં એ બહેન એક સારી વ્યક્તિ સાથે વેવિશાળ જેવા પવિત્ર બંધનથી જોડાઈ ગયા છે.

મહત્વની વાત એ નથી કે તમે કઈ વ્યક્તિને પસંદ કરો છો, મહત્વનું એ છે કે તમે કેવી વ્યક્તિને પસંદ કરો છો. વાતાવરણ તો માહોલ અને મૂડ બંને બનાવવા માટે તૈયાર જ રહેશે પણ મોસમની મજા સાથે આપણા પોતાના જીવનનો માહોલ, મૂડ અને ખાસ કરીને આવનાર ભવિષ્ય બગડે નહિ એ ધ્યાનમાં રાખવું ખૂબ જ જરૂરી છે કારણ કે જે વરસાદ જમીનમાંથી ભીની માટીની મહેક આપે છે, એ જ વરસાદ એ જ ભીની માટીનો કાદવ બનીને પણ ઉડી શકે છે.

આકર્ષણજનિત પ્રેમમાં માણસ કેટલી હદ સુધી સમર્પિત બની શકે છે એ સમજવા એક સુંદર ગીતની પંક્તિ રજૂ કરી રહ્યો છું, જેને ગાયક ક્ષિતિજ રે અને શિલ્પા રાવે સ્વરબદ્ધ કર્યુ છે જ્યારે સંગીતકાર મિથુન શર્માએ તેને લયબદ્ધ કર્યુ છે.

શમાકો પીઘલને કા અરમાન ક્યું હૈ,
પતંગેકો જલને કા આરમાન ક્યું હૈ,
ઐસી શોક કા ઈમ્તેહાન જિંદગી હૈ

આજ પૂરતું બસ આટલું જ…આવતા અંકે જાણીશું આસક્તિજનિત પ્રેમ (Love With Possessiveness) રૂપી સિક્કાની બંને બાજુઓ વિશે…ત્યાં સુધી.. હેપી રીડિંગ… હેપી મોનસૂન..


sjjs

Share This Article