આગરાઃ ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદ બાદ વિભાગ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાના દાવાની પોલ ખુલી ગઈ છે. આગરામાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે ઐતિહાસિક ઇમારત ફતેહપુર સિકરીની દિવાલ પણ ધરાશાયી થઇ ગઇ છે.
લાલદરવાજાની નજીક દિવાલ ધરાશાયી થવાની સ્પષ્ટતા પોલીસ અધિકારીઓ અને આર્કિયોલોજીકલ વિભાગ દ્વારા પણ કરવામાં આવી ચુકી છે. ભારે વરસાદના પરિણઆમ સ્વરુપે ૨૦ ફૂટ ઉંચી દિવાલનો એક હિસ્સો ધરાશાયી થઇ ગયો હતો. જો કે, આ બનાવમાં કોઇને પણ ઇજા થઇ નથી. જાણકાર લોકોનું કહેવું છે કે, પ્રવાસીઓને હાલમાં ત્યાં જવાની મંજુરી આપવામાં આવી નથી.
અલબત્ત કેટલાક લોકો હાલમાં દિવાલની નજીક રહે છે. તેમની સુરક્ષાને ધ્યાનમાં લઇને ત્યાં એક બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે, દિવાલની આસપાસ જવાની બાબત ખતરનાક બની શકે છે. બીજી બાજુ કાટમાળને દૂર કરવાની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. દિવાલની મરમ્મત માટે જરૂરી ચીજવસ્તુ તૈયાર કરવામાં આવી રહી છે. મોનસુનની પૂર્ણાહૂતિ બાદ સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે.