શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ કલમ ૩૫-એ અને ૩૭૦ પર વલણ સ્પષ્ટ કરવા માટે કેન્દ્ર સરકારને ફરી ચેતવણી જારી કરી છે. ફારૂક અબ્દુલ્લાએ ચેતવણી આપતા કહ્યું છે કે જા કેન્દ્ર સરકાર આના ઉપર પોતાનું વલણ સ્પષ્ટ નહીં કરે તો તેમની પાર્ટી પંચાયત ચૂંટણીની સાથે વિધાનસભા અને લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરશે. અત્રે ઉલ્લેખનિય છે કે નેશનલ કોન્ફરન્સે તે પહેલા ૩૫-એના મુદ્દા પર પ્રદેશમાં આગામી પંચાયત ચૂંટણીનો બહિષ્કાર કરવા માટેની વાત કરી હતી. બીજી બાજુ કોંગ્રેસના નેતા નવજાતસિંહ સિદ્ધુ દ્વારા પાકિસ્તાનના સેના વડાને ગળે લગાવવાના મુદ્દા ઉપર ઉઠેલા વિવાદ ઉપર પણ ફારૂક અબ્દુલ્લાએ ટિપ્પણી કરી હતી.
ફારૂકે કહ્યું હતું કે કલમ ૩૫-એ અને કલમ ૩૭૦ ઉપર કેન્દ્ર સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જાઈએ. જા કેન્દ્ર સરકાર આ મુદ્દા પર વલણ સ્પષ્ટ નહીં કરે તો તેમની પાર્ટી પંચાયત ચૂંટણીનો જ નહીં બલ્કે વિધાનસભા અને લોકસભા ચૂંટણીનો પણ બહિષ્કાર કરશે. આ મુદ્દા પર રાજકીય ખેંચતાણ વચ્ચે પીડીપી દ્વારા પંચાયત ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચેતવણી આપી છે. પીડીપીએ સાફ શબ્દોમાં કહ્યું છે કે સરકારને પંચાયત ચૂંટણી અને ૩૫-એના સંદર્ભમાં તમામ શંકાઓને દુર કરવી જાઈએ. તમામ શંકાઓ દુર થયા બાદ જ પાર્ટી ચૂંટણી મેદાનમાં ઉતરશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલના નિવેદન બાદ આને લઈને રાજકીય ગરમી વધી ગઈ છે. દોભાલે થોડા દિવસ પહેલા જ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર માટે અલગ બંધારણ બનાવવાની બાબત એક મોટી ભુલ હતી. અજીત દોભાલે આ બાબત ઉપર ભાર મુક્યો હતો કે એકતા અને અખંડતા સાથે ક્યારેય પણ બાંધછોડ કરી શકાય નહીં.
બીજી બાજુ પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઈમરાન ખાનના શપથવિધિના કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા નવજાત સિદ્ધુ દ્વારા પાકિસ્તાની સેનાના વડાને ગળે લગાવવાના મુદ્દા પર ઉઠેલા વિવાદને લઈને પણ ફારૂક અબ્દુલ્લાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. અબ્દુલ્લાએ કહ્યું હતું કે સિદ્ધુને આ મુદ્દા પર જે રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તે દર્શાવે છે કે કેટલાક એવા તત્વો રહેલા છે જે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને સુધારવા માટે ઈચ્છુક નથી. ભારત અને પાકિસ્તાન બંને તરફથી કેટલાક સ્વાર્થ ધરાવતા લોકો છે જે ઈચ્છે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ખેંચતાણ યથાવત રીતે જારી રહે. બંને દેશો વચ્ચે શાંતિની દેશામાં કોઈ પહેલ ન થઈ શકે. પરંતુ જમ્મુ-કાશ્મીરના લોકો માટે બંને દેશો વચ્ચે મિત્રતા ખૂબ જરૂરી છે. ફારૂક અબ્દુલ્લાએ વલણ સ્પષ્ટ કર્યા બાદ કેન્દ્ર સરકાર આ દિશામાં કોઈ નવી પહેલ કરી શકે છે. હાલમાં કલમ-૩૫એ અને ૩૭૦ ને લઇને જમ્મુ-કાશ્મીરના લોકોમાં ભારે દુવિધાભરી સ્થિતિ રહેલી છે.