ખેડૂતો, યુવાનો અને મહિલાને અપાયેલા વચનને યાદ કરાવ્યા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી :  મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ પ્રજાના નામે આજે સંદેશ જારી કર્યો હતો અને ખેડૂતો, યુવાનો, મહિલાઓને કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા વચનોની યાદ અપાવી હતી. રાહુલ ગાંધીએ પોતાના સંદેશમાં કહ્યું છે કે, મધ્યપ્રદેશમાં પાકની કિંમત માંગવા પર ખેડૂતોને ગોળીઓ મારવામાં આવી હતી. તેમની અપેક્ષાઓને કચડી નાંખવામાં આવી હતી. યુવાનો રોજગારને લઇને અંધારામાં છે. પુત્રીઓને ભવિષ્યમાં ભય દેખાઈ રહ્યો છે. પ્રજાને યાદ અપાવતા કહ્યું છે કે, છેલ્લા ૧૦-૧૫ વર્ષમાં દેશભરમાં પ્રદેશ કયા કયા કારણસર ચર્ચામાં છે. વ્યાપમ કૌભાંડ, પુત્રીઓ સાથે દુષ્કર્મ, સૌથી વધારે કુપોષણ, માફિયા, ઇટેન્ડર કૌભાંડ, બુંદેલખંડ પેકેજની ચર્ચા રહી છે.

આ તમામ નિરાશાઓ વચ્ચે મધ્યપ્રદેશના નાગરિકોને કોંગ્રેસના વચનોથી આશા જાગી છે. ખેડૂતોની દેવા માફી, વિજળીના બિલ અડધા કરવા, પુત્રીઓને ન્યાય, ઉદ્યોગોની પ્રગતિ, યુવાનોને રોજગારી, આદિવાસીઓમાં નવી આશા જાગી રહી છે. ગરીબોની જીતના વિશ્વાસ માટે કોંગ્રેસ પાર્ટી કટિબદ્ધ છે. મધ્યપ્રદેસમાં સરકાર બનતાની સાથે જ ૧૦ દિવસમાં જ ખેડૂતોના દેવાને માફ કરી દેવામાં આવશે. પાક માટે યોગ્ય કિંમત આપવામાં આવશે. વિજળીનું બિલ અડધુ કરી દેવામાં આવશે. પુત્રીઓના લગ્નમાં કોંગ્રેસ સરકાર માતા-પિતાની ભૂમિકામાં રહેશે અને ૫૧૦૦૦ રૂપિયા આપશે. ઘર વગરના અને નાના ખેડૂતોનું ઘરનું સપનું પૂર્ણ થશે.

ખેડૂતોને કૃષિ આધારિત ઉદ્યોગ લગાવવા માટે મદદ કરવામાં આવશે. પુત્રીઓને સ્કુલથી લઇને પીએચડી સુધીનું શિક્ષણ મફત આપવામાં આવશે. મહિલાઓને સુરક્ષા ફિચર સંબંધિત સ્માર્ટ ફોન આપવામાં આવશે. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું છે કે, ખેડૂતોને દેવામાંથી બહાર કાઢવાનો મતલબ એ છે કે, અર્થવ્યવસ્થાને મુશ્કેલમાંથી બહાર કાઢવું. ખેડૂત આર્થિકરીતે મજબૂત થશે તો દેશની અર્થવ્યવસ્થા પાટા ઉપર આવશે. કોંગ્રેસના પ્રયાસથી દેશની રાજનીતિ હવે ખેડૂત ઉપર આધારિત થઇ છે.

 

 

 

Share This Article