નવી દિલ્હી : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી બાદ આમ આદમી પાર્ટીના કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ખેડુતોને સંબોધન કર્યું હતું અને મોદી સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. કેજરીવાલે કહ્યું હતું કે સામાન્ય રીતે ત્રણ માંગો સમજમાં આવે છે. કેજરીવાલનું કહેવું છે કે જેટલું દેવું ખેડુતોનું છે તે દેવુ માફ થવું જાઈએ. ખેડુતોને તેમના પાક માટે પુરતા નાણાં મળવા જાઈએ. જે વચન આપવામાં આવ્યું હતું તે મુજબ સ્વામીનાથન પંચને લાગુ કરવાના પ્રયાસ કરવા જાઈએ. ખેડુતોને કોઈ ભીખની જરૂર નથી. ખેડુતો પોતાના અધિકાર માંગી રહ્યા છે. સરકારો એમએસપી નક્કી કરે છે પરંતુ આ કિંમત ઉપર કોઈ ખરીદી કરવામાં આવતી નથી. ખેડુતોના પાક બરબાદ થઈ જાય છે. સરકાર દ્વારા જે પાક વીમા યોજના બનાવવામાં આવી છે તે ફ્રોડ છે.
ખેડુતો સાથે વિશ્વાસઘાત સમાન છે. ભાજપની ખેડુતોને લુંટવાની આ યોજના છે. આ વીમા યોજનાને બંધ કરવાની જરૂર છે. ત્રણ વર્ષથી જેટલા પૈસા લેવામાં આવ્યા છે તે પૈસા ખેડુતોને પરત મળવા જાઈએ તેની જગ્યાએ ખેડુત વળતર યોજના લાવવાની કેજરીવાલે માંગ કરી હતી. કેજરીવાલે કહ્યું હતું કે અમે દિલ્હીના ખેડુતોને ૫૦ હજાર રૂપિયા પ્રતિ હેકટરની દ્રષ્ટીએ વળતર આપી રહ્યા છીએ. ભારતની કોઈપણ સરકારે આવા પગલાં લીધા નથી. જા દિલ્હી સરકાર આવા પગલાં લઈ શકે છે તો મોદી સરકાર કેમ પગલા લઈ શકતી નથી. અંબાણી અને અદાણીની જેટલી ચિંતા સરકારને રહે છે તે પૈકી ૧૦ ટકા ખેડુતોની ચિંતા કરવા કેજરીવાલે કહ્યું હતું. જા આવું થશે નહીં તો આગામી વખતે મત પણ અંબાણી અને અદાણી પાસે જ મોદીને માંગવા પડશે. ખેડુતો ૨૦૧૯માં મોદી સરકાર સામે કયામત લાવી દેશે. કેજરીવાલે ગંભીર આક્ષેપો કરીને ઉપસ્થિત નારાજ લોકોની મોદી સામે નારાજગી વધારી હતી.