ખેડૂતોને દિનમાં માત્ર ૧૭ જ રૂપિયા આપી અપમાન કરાયું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવીદિલ્હી :  કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વચગાળાના બજેટને લઇને મોદી સરકાર ઉપર આજે પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, ખેડૂતોનું અપમાન કરવામાં આવ્યું છે. ખેડૂતોને એક દિવસમાં ૧૭ રૂપિયા આપીને તેમનું અપમાન કરવામાં આવી રહ્યું છે. સરકાર એક બાજુ અમીરોના હજારો કરોડ રૂપિયાની લોન માફ કરી રહી છે જ્યારે બીજી બાજુ ખેડૂતોને દરરોજ ૧૭ રૂપિયા આપી રહી છે જે તેનું અપમાન છે. વિપક્ષની સંયુક્ત બેઠક બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મોદી સરકાર રોજગારના મુદ્દા ઉપર સંપૂર્ણપણે ફ્લોપ રહી છે. વિપક્ષની બેઠકમાં ઇવીએમ ઉપર દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો છે જેને સોમવારે ચૂંટણી પંચને સોંપવામાં આવશે.

રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરી કહ્યું, “ખેડૂતોને પ્રતિ દિવસ ૧૭ રૂપિયા આપવા તેમનું અપમાન છે.” લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, વચગાળાના બજેટના નામે મોદી સરકારે મતદાતાઓને રિશ્વત આપવાનું કામ કર્યું છે. એક રીતે આ વોટના બદલામાં પૈસા વહેંચવાનું કામ થયું છે. બજેટમાં કોઈને કશું આપવામાં આવ્યું નથી. દેશની જનતાને માટે ઘુઘરો પકડાવીને ગુમરાહ કરવાનું કામ થઈ રહ્યું છે.  કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ કહ્યું- વચગાળાના બજેટમાં પૂર્ણ બજેટ જેવી જાહેરાતો કરવી ગેરબંધારણીય છે.

કોઈ સરકાર છઠ્ઠા બજેટ જેવી જાહેરાત કેવી રીતે કરી શકે છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા માજિદ મેનને કહ્યું કે, બજેટમાં જે જાહેરાતો કરવામાં આવી છે તે લાગુ કરવાનો સરકાર પાસે સમય જ ક્યાં છે. તેમણે કહ્યું કે, પહેલાં સાડા ચાર વર્ષ સુધી ખેડૂતોને બરબાદ કરવામાં આવ્યા છે અને હવે તેમને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યાં છે. વિપક્ષી દળોએ મોદી સરકારના બજેટને ચૂંટણી ઘોષણાપત્ર તરીકે ગણાવીને કહ્યું હતું કે, આમા માત્ર લાલચી વચનો આપવામાં આવ્યા છે જે પૂર્ણ થશે નહીં.

Share This Article