ચંદીગઢ : રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી દરમિયાન લોનમાફીનુ વચન આપીને નામ માત્ર રીતે લોન માફી કરવાની બાબત હવે ખેડુતોને સ્વીકાર્ય નથી. જુદા જુદા રાજ્યોમાં લોનમાફીના કારણે ખેડુતોને કોઇ રાહત થઇ રહી નથી. બેંકો દ્વારા પણ નોટીસ ફટકારવામાં આવી રહી છે. બેંકો દ્વારા નોટીસ મોકલાવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા ખેડુતો હવે પરેશાન દેખાઇ રહ્યા છે. પંજાબના ખેડુતોએ આ બાબતની ફરિયાદ કરીને નવા વર્ષના પ્રથમ દિવસે લોનની વસુલી કરવા માટે નોટીસ ફટકારનાર બેંકોની સામે પાંચ દિવસ માટે ધરણા પ્રદર્શન કરવા માટેની તૈયારી બતાવી છે.
પંજાબમાં વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ ખેડુતોની તમામ લોન માફ કરવાની વાત કરી હતી. જો કે સત્તામાં આવ્યા બાદ માત્ર નાના અને સિમાંત ખેડુતોના બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવી હતી. પરિણામ એ આવ્યા કે બે લાખ રૂપિયાથી ઉપરની લોન લઇ ચુકેલા ખેડુતો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેમની સામે લોન વસુલી માટે નોટીસ જારી કરવામાં આવી રહી છે. ભારતીય કિસામ યુનિયન એકતા સમિતીના લોકો નારાજ દેખાઇ રહ્યા છે. ખેડુતોને લોનની વસુલી માટે નોટીસ આપનાર બેંકોની સામે ધરમા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.
આ ધરણા પ્રદર્શન રાજ્યના જુદા જુદા વિસ્તારમાં કરવામાં આવી રહ્યા છે. યુનિયનના મહાસચિવ સુખદેવ સિંહ કોકલીકલાએ કહ્યુ છે કે પંજાબમાં ખુબ ઓછા ખેડુતોની લોન માફ થઇ શકી છે. હવે જમીનની હરાજી માટેની નોટીસ આપવામાં આવી રહી છે. સરકારનુ વલણ જાઇને આગામી રણનિતી અપનાવવામાં આવનાર છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં કહ્યુ હતુ કે કોંગ્રેસ પાર્ટી ખેડુતોને લોન માફીના નામ પર ગેરમાર્ગે દોરી રહી છે. કોંગ્રેસ સરકાર દ્વારા લોન માફીને લઇને કર્ણાટકમાં પણ ખેડુતો પરેશાન હોવાના હેવાલ હાલમાં આવી ચુક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કહી ચુક્યા છે કે કર્ણાટકમાં લોનમાફીનો લાભ ખુબ ઓછા ખેડુતોને મળ્યો છે.