કેન્દ્ર સરકારના અતિ મહત્વકાંક્ષી ગણાતો બુલેટ ટ્રેન પ્રોજેકટ ફરી ઘોંચમાં પડે તેવી શકયતા સર્જાઈ છે. ગુજરાત હાઇકોર્ટમાં ખેડૂતો તરફી નિર્ણય નહી આવતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના ૧૯૨ ગામોના ૨૫૦૦થી વધુ અસરગ્રસ્ત ખેડૂતો તરફથી ૫૦ જેટલી સ્પેશ્યલ લિવ પિટિશન સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રોજેકટના અસરગ્રસ્ત ૭૦ જેટલા મકાન માલિકો પણ સુપ્રીમ કોર્ટમાં પીટીશન દાખલ કરશે. અરજદાર ખેડૂતો તરફથી ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને પડકારવામાં આવ્યો છે અને પિટિશનમાં તેમની જમીનનું વળતર હાલના માર્કેટ રેટ પ્રમાણે ચૂકવવા દાદ માંગવામાં આવી છે.
હજુ બીજી ૫૦ સ્પેશ્યલ લિવ પિટિશન સુપ્રીમકોર્ટમાં ફાઇલ થશે. જેની સુનાવણી જાન્યુઆરી માસમાં નીકળે તેવી શકયતા છે. અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે થયેલા જમીન સંપાદનને ગુજરાત હાઈકોર્ટે એક મહત્વના ચુકાદા મારફતે લીલીઝંડી આપી હતી, જેમાં હાઈકોર્ટે ખેડૂતો દ્વારા કરવામાં આવેલી ચાર ગણું વળતર આપવાની માંગણી ફગાવી દીધી હતી. હાઇકોર્ટના જસ્ટિસ અનંત દવે અને બિરેન વૈષ્ણવની ખંડપીઠે આ કેસમાં પોતાનો ચુકાદો જાહેર કરી ખેડૂતો તરફથી કરાયેલી જુદી જુદી રિટ અરજીઓ ફગાવી દઇ સરકારના જમીન સંપાદનને યોગ્ય ગણાવ્યું હતું.
જો કે, ખેડૂતોની જમીનનું ચાર ગણું વળતર ચૂકવવાની ખેડૂતોની દાદ હાઇકોર્ટે ફગાવી હતી અને સમગ્ર વળતરનો મુદ્દો હાઇકોર્ટે ખુલ્લો રાખ્યો હતો. હાઇકોર્ટે વળતર મુદ્દે સરકારમાં રજૂઆત કરવા અને અન્ય કાનૂની વિકલ્પની સ્વતંત્રતા ખેડૂતોને આપી હતી. હાઈકોર્ટે આંતરરાજ્ય પ્રોજેકટ હોવા છતાં પણ કેન્દ્ર સરકારને ઓથોરીટી ગણાવી હતી. સુરત સહિતના વિવિધ પંથકોના અસરગ્રસ્ત અરજદાર ખેડૂતો તરફથી એડવોકેટ આનંદ યાજ્ઞિકે મહત્વના મુદ્દા ઉપસ્થિત કર્યા છે કે, તેમની જમીનો એ માત્ર જમીન નહી પરંતુ તેમની જીવાદોરી છે અને બુલેટ ટ્રેનના પ્રોજેકટ માટે તેમની જમીન સંપાદન કરાઇ રહી છે પરંતુ તેમાં વળતરના મુદ્દે સરકાર અન્યાયી વલણ અખત્યાર કરી રહી છે. વળતરની રકમ ૨૦૧૧ નક્કી કરેલા જંત્રી મુજબ નહીં પણ હાલ માર્કેટમાં ચાલી રહેલા જે તે વિસ્તારની જમીનના ભાવ પ્રમાણે હોવી જોઈએ. તેમજ વળતરની રકમ કેન્દ્ર સરકારના જમીન સંપાદન કાયદા મુજબ ચૂકવવામાં આવે ગુજરાત રાજ્ય સરકારના જમીન સંપાદન કાયદા મુજબ નહી.
આમ હાઈકોર્ટના આ ચુકાદાને કારણે ખેડૂતોને બજાર કિંમત કરતા ઓછી રકમનું વળતર ચૂકવાય તેવી સ્થિતિ બની છે અને તેથી જ ખેડૂતોમાં થોડા નિરાશાની લાગણી પણ ફેલાઇ છે. એનએચઆરસીએલ(નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ.)ના ડાયરેકટર મુજબ, ટ્રેનના રૂટ માટે ગુજરાતના ૫૩૦૦થી વધુ પ્લોટની જમીન સંપાદીત કરવામાં આવશે, જેમાં ૨૬૦૦ જેટલા પ્લોટ એટલે કે અડધી જમીન સંપાદિત થઈ ગઈ છે. બાકીની જમીન માટે કામગીરી ચાલુ છે. બુલેટ ટ્રેનનો સમગ્ર પ્રોજેકટ ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં પૂર્ણ થઈ જશે. સાબરમતીથી મુંબઈ સુધીનું અંદાજીત ભાડું રૂ.૩૦૦૦ જેટલું હોઇ શકે છે. સિવિલ વર્ક માટે પણ આગામી મહિનામાં ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ જશે. ચાર પાંચ મહિનામાં પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામગીરી શરૂ કરવામાં આવશે. આ સંજોગોમાં સુપ્રીમકોર્ટે ખેડૂતોને યોગ્ય રાહત આપી ન્યાય આપવો જોઇએ.