૧૭મી લોકસભાની ચૂંટણીના પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા હતા. આની સાથે જ કેટલીક બાબતો પણ સ્પષ્ટ થઇ ગઇ છે. જેમાં જે બાબત સ્પષ્ટપણે ઉભરીને સપાટી પર આવી છે તેમાં પરિવારવાદ, જાતિવાદી, વંશવાદનો સફાયો થઇ રહ્યો છે. દેશના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી આ તમામ બાબતો સતત જોવા મળી રહી હતી.
જો કે હવે આ તમામ દુષણો અને પરિબળોની અસર દેખાઇ રહી નથી. બિહાર અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં હમેંશા જાતિવાદના આધાર પર ચૂંટણી લડવામાં આવે છે. આ વખતે પણ આ મુદ્દા રહ્યા હતા. પરંતુ જે રીતે મોદી અને અમિત શાહ દ્વારા યોજના તૈયાર કરવામાં આવી હતી તે જાતા હવે હવે આ દુષણનો અંત આવી રહ્યો છે. પરિવારવાદ, જાતિવાદના કારણે સતત ચૂંટણી લડવાથી રાહત મળશે. મોદીએ ચૂંટણી પ્રચાર વેળા પરિવારવાદનો મુખ્ય રીતે મુદ્દો ઉઠાવ્યો હતો.
મોદીએ ગાંધી પરિવાર, શરદ પવાર, અબ્દુલ્લા પરિવાર, ગૌડા પરિવારના નામ સાથે પ્રહાર કર્યા હતા. પરિવારવાદનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. ઉત્તરપ્રદેશમાં મોદીને સત્તામાં દુર રાખવા માટે માયાવતી અને અખિલેશે હાથ મિલાવ્યા હતા. મોદીએ પ્રચારમાં કહ્યુ હતુ કે આ મહામિલાવટી લોકો એકબીજાના દુશ્મન તરીકે રહ્યા છે જો કે મોદીને હરાવવા માટે સાથે આવ્યા છે. મોદીનો આ આક્ષેપ પણ લોકોને ગળે ઉતર્યો હતો. અખિલેશ અને માયાવતી દ્વારા જુદા જુદા પ્લાન કરવામાં આવ્યા હતા પરંતુ તેમની કોઇ યોજના કામ લાગી ન હતી.