શ્રીનગર : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આકરી કાર્યવાહીનો દોર જારી રાખ્યો છે. ઇડીએ કાશ્મીરી અલગતાવાદી નેતા સઇદ અલી શાહ ગિલાની પર ૧૪ લાખથી વધુનો દંડ ફટકારી દીધો છે. અધિકારીએ કહ્યું છે કે, આશરે ૬.૮૮ લાખ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી છે. આ કેસ ફોરેન એક્સચેંજના ભાગરુપે ગેરકાયદે જંગી નાણાં રાખવા સાથે સંબંધિત છે. આ મામલામાં ઇડી દ્વારા ફોરેન એક્સચેંજ મેનેજમેન્ટ એક્ટ હેઠળ તપાસ કરવામાં આવી રહી છે. જમ્મુ કાશ્મીર સ્થિત કટ્ટરપંથી લીડર સઇદ અલી શાહ ગિલાની સામે ફેમા કેસના સંદર્ભમાં જંગી સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. તપાસ પરિપૂર્ણ કરી લીધા બાદ ઇડી દ્વારા ફેમા હેઠળ ૨૦મી માર્ચના દિવસે એક આદેશ જારી કર્યો હતો જેના ભાગરુપે ૧૪.૪૦ લાખ રૂપિયાનો દંડ લાગૂ કરવામાં આવ્યો હતો.
સાથે સાથે ગિલાની પાસેથી આશરે ૬.૮ લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. ગિલાની સામે ઇન્કમ ટેક્સ વિભાગની ફરિયાદના આધાર પર ઇડી દ્વારા આ કેસ હાથ ધરવામાં આવ્યો હતો. ૨૦૧૭માં પણ તપાસ એજન્સી દ્વારા ૮૭ વર્ષીય અલગતાવાદી લીડરને ગેરકાયદેરતે ૧૦૦૦૦ અમેરિકી ડોલર રાખવાના મામલામાં પુછપરછ માટે બોલાવ્યા હતા. ગિલાની સાથે સાથે ઇડીએ જમ્મુ કાશ્મીર લિબ્રેશન ફ્રન્ટના લીડર યાસીન મલિક ઉપર પણ દંડ લાગૂ કરવામાં આવ્યો છે.
યાસીન મલિક ઉપર પણ દંડની કાર્યવાહી કરવામાં આવ્યા બાદ તેમના સમર્થકોમાં નારાજગી દેખાઈ રહી છે. ગેરકાયદેરીતે વિદેશી નાણાં રાખવાના મામલામાં કઠોર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલા વધુ માહિતી હાથ લાગી શકી નથી. સઇદ અલી શાહ ગિલાની અને યાસીન મલિક ઉપર સકંજા વધુને વધુ મજબૂત કરવામાં આવી રહ્યો છે. થોડાક દિવસ પહેલા જ પાકિસ્તાન સાથે તંગદિલીના માહોલમાં કટ્ટરપંથીઓની સુરક્ષા પાછી ખેંચી લેવાઈ હતી.